પંચાયતન પૂજન

ભારતીય સંસ્કૃતિ સર્વગ્રાહી તેમજ સર્વ સહિષ્ણુ છે. માનવ પોતાના જીવનમાં ઇશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરીને ચાલે એમાં જ એના સમગ્ર જીવનનું શ્રેય છે, એવી ભારતીય સંસ્કૃતિની દૃઢ ધારણા છે. ઇશ્વરનું અસ્તિત્વ સર્વત્ર સ્વીકારનાર મનુષ્યનું નૈતિક જીવન સહજ રીતે વિશુદ્ધ બને, તેનું સાંસ્કૃતિક જીવન ભગવત્-પ્રેમથી પ્રગટતા આવેશને કારણે સ્વાભાવિક રીતે ક્રિયાશીલ બને તેમજ આદ્યાત્મિક ઉન્નતિમાં પણ ઇશ્વરના કોઇ એક સ્વરૂપમાં સતત રમતું રહેલું તેનું મન તેને ખૂબ સહાયક બને. વળી આ ત્રણે ઉન્નત જીવોનું પ્રતિબિંબ તેના ભૌતિક જીવનને પણ પ્રકાશિત કરે જેથી એનું ભૌતિક જીવન પણ શાંત સ્વસ્થ અને સમાધાની બને એ નિઃસંશય વાત છે.
માનવ, ઇશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કર્યા પછી, તેના ક્યા સ્વરૂપની પૂજા કરે તેના માટે ભારતીય સંસ્કૃતિનો કોઇ જ દુરાગ્રહ નથી. ભગવાનનાં બધાં જ રૂપો સુંદર અને મનોહારી છે. જેનું મન જ્યાં આકર્ષાય, તે તે સ્વરૂપનું પૂજન કરે. માનવે પોતાના જીવનમાં કોઇ પણ ઉપાસ્ય દેવ સ્વીકારવો જોઇએ. મૂર્તિનું મહત્ત્વ, ચિત્ત એકાગ્ર કરવા માટે હોવાથી માનવે પોતાની ધ્યાનમૂર્તિ સતત એક જ રાખવી જોઇએ જેેથી સાધનામાં સરળતા રહે.
ખરી રીતે જોતાં વિશ્વ સંચાલક શક્તિ એક જ છે. માનવ પોતાની ભાવના મુજબ તે શક્તિનાં જુદાં જુદાં સ્વરૂપોને હજારો વર્ષથી પૂજતો આવ્યો છે. માનવ મનની ગેરસમજણ તેમજ તેની બુદ્ધિના ખોટા ચાપલ્યને કારણે એક જ શક્તિના વિવિધ રૂપોને પૂજનારા ઉપાસકોમાં ઘણા સંઘર્ષો પણ ઊભા થયા છે. વૈષ્ણવ ‘શિવ’ શબ્દનો ઉચ્ચાર જ ન કરે અને શૈવમાર્ગીઓ એકાદશીના દિવસે કાંદા ખાય, ત્યાં સુધીની દ્વેષજન્ય બાલિશતા વિભિન્ન સંપ્રદાયોમાં જોવા મળે છે. શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય શિવોપાસક છે એમ માનીને કેટલાક વૈષ્ણવો શંકરાચાર્યના નામથી જાણે કે અભડાઇ જાય છે, પરંતુ આદ્ય શંકરાચાર્યે કૃષ્ણભક્તિના ભાવવાહી અને રસ નીતરતાં સ્તોત્રો લખ્યા છે તે બારામાં તેમનું ઘોર અજ્ઞાન છે.
વિભિન્ન ઉપાસ્ય દેવોને માનતા રહેલા ઉપાસકોમાં રહેલો દ્વેષ અોછો કરવા શંકરાચાર્યે યુક્તિપૂર્ણ રીતે સમાજમાં પંચાયતન પૂજાની શરૂઆત કરી. આ પૂજા અનુસાર સમાજમાં ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર અને અંબા, એ પાંચ દેવતાઓનું પૂજન થવું જોઇએ. આ પાંચ દેવોમાંથી ઉપાસક જેને પ્રધાન માનતો હોય તેને મુખ્ય સ્થાન આપીને આજુબાજુ બીજા ચાર દેવો રાખીને તેણે પૂજા કરવાની. આ રીતે ‘ગણેશ-પંચાયતન’; ‘શિવ-પંચાયતન’ વગેરે શરૂ થયા. આ કારણે વ્યક્તિની ભાવના સંતોષાઇ અને સમાજમાં રહેલા વિભિન્ન સંપ્રદાયો વચ્ચેના રાગ દ્વેષો પણ ઘટ્યા.
યોગ્ય રીતે સમજવામાં આવે તો પંચાયતન પૂજા અતિશય શાસ્ત્રીય છે. વ્યકિત જીવન, કુટુંબ જીવન, સમાજ જીવન, રાષ્ટ્ર જીવન કે વ‌ૈશ્વિક જીવન, સર્વત્ર આ પૂજન ઉન્નતિનું સાધક બને એ નિર્વિવાદ વાદ છે. ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર અને અંબાનું પૂજન એટલે બુદ્ધિ, જ્ઞાન, લક્ષ્મી, તેજ અને શક્તિની ઉપાસના માનવજીવનના વિકાસમાં અા પાંચેય તત્વો જરૂરી છે.
ભારતની ઇશ્વર વિષયક ઉદારતાનું સૌંદર્ય પંચાયતન પૂજામાં જોવા મળે છે. અહીં સાંપ્રદાયિક સંકુચિતતાને સ્થાન નથી. ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર અને અંબા, આ પાંચ દેવ જીવનમાં બુદ્ધિનિષ્ઠા, આત્મજ્ઞાન, પ્રેમ, તેજ અને શકિત આ પાંચ તત્ત્વોનું મહત્વ સમજાવે છે.

You might also like