પુષ્ટિમાર્ગ અને કૃષ્ણકથા

પુષ્ટિમાર્ગ  શુદ્ધાદ્વૈત માર્ગના સ્વરૂપનું જ્ઞાન આપે છે જે માને છે કે પૃથ્વીના તમામ જીવો એક ‘સુપ્રીમ’ પાવરમાંથી ઉદ્ભવ પામ્યા છે, જેનું તત્ત્વ સૌ પ્રાણીઓમાં છે. ‘સુપ્રીમ’ સાથેની તેમની આ ઓળખ છે. તે પરબ્રહ્મ, પરમાત્મા, પુરુષોત્તમ એમ વિવિધ નામથી ઓળખાય છે.
પુષ્ટિમાર્ગમાં પરબ્રહ્મ એ સત્, ચિત્ત અને આનંદ-અસ્તિત્વ, જાગરૂકતા અને આશીર્વાદ છે. પરંતુ તે અભૌતિક શરીર અને ગુણોથી સભર વ્યકિતત્વ છે. તે કૃષ્ણ છે. કૃષ્ણનાં ઘણાં નામ છે પણ આ પૃથ્વી પર તેઓ એક વખત વ્રજમાં તેમના અસલ સ્વરૂપમાં અવતરણ પામ્યા હતા. આ સ્વરૂપ માં તેમણે લીલાઓ કરી ભૌતિક જીવોને આનંદ પમાડ્યો હતો. કૃષ્ણ પ્રત્યેની ભક્તિ અને સતત કૃષ્ણસ્મરણ જ આ દુનિયામાં આધ્યાત્મિક પ્રકાશ મેળવવા માટેનાં શુદ્ધ સાધનો છે.
કૃષ્ણની કથા એ દંતકથા અને પ્રતીકકથાનું મિશ્રણ છે. કૃષ્ણનું નામ સૌ પ્રથમ ઋગ્વેદમાંથી મળી આવે છે. ઋગ્વેદ સૌથી જૂનો હિંદુ ધાર્મિક ગ્રંથ કહી શકાય. આ નામ છાંદોગ્ય ઉપનિષદમાં પણ છે. કૃષ્ણના જીવન સાથે સંખ્યાબંધ પ્રસંગો જોડાયેલા છે. વેદવ્યાસે રચેલા શ્રીમદ્ભાગવતમાં તે વર્ણવેલા છે જે ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિકતાના પડઘા પાડે છે. કૃષ્ણ વસુદેવ અને દેવકીના પુત્ર હતા. દેવકી જુલમી રાજા કંસની બહેન હતી. એવી ભવિષ્યવાણી થઇ હતી કે કંસનો અંત પોતાની બહેનના આઠમા પુત્રના હાથે થશે. વસુદેવ અને દેવકીને કંસે કારાવાસમાં નાખ્યાં અને તેમનાં સંતાનોને જેવાં જન્મ્યાં કે તરત જ મારી નાંખવામાં આવ્યા. કૃષ્ણ તેમનું આઠમું સંતાન હતું. તેઓ જન્મ્યા કે તરત જ પિતા દ્વારા તેમને ગોકુળમાં પોતાના મિત્ર નંદરાયને ત્યાં લઇ જવામાં આવ્યા.
ગોકુળમાં કૃષ્ણ નંદરાયને ત્યાં ઉછરે છે. નંદરાય ગોવાળોના નેતા છે. તેમનાં પત્ની યશોદા માટે તે સૌથી વહાલો છે. બાલ્યાવસ્થામાં કૃષ્ણે તેમનો દેવી સ્વભાવ પ્રગટ કરીને કંસના મારાઓને ખતમ કર્યા. આ દરમિયાન કૃષ્ણે સંખ્યાબંધ લીલાઓ કરી. તે કૃષ્ણની દંતકથાનો એક ભાગ બની ગઇ. કૃષ્ણ ગાયો લઇને વનમાં ચરાવવા જતા જેથી ગાયોના રખેવાળ ગોપાલ તરીકે ઓળખાયા.
ગોપીઓ તેમની સખી બની કૃષ્ણની વાંસળીમાં એવો જાદુ હતો કે સમય થંભી જતો અને બધા પોતાનાં કામ પડતાં મૂકી તેમની તરફ આકર્ષાઇને દોડી જતા.
કૃષ્ણની, હાજરીથી ગ્રામવાસીઓના બધા ભય દૂર થઇ જતા. કૃષ્ણનું દેવી રક્ષણ સદાય તેમની પાસે રહેતું. ગોકુળ પાસે યમુના નદીમાં કાલીનાગને નાથ્યો, જે પાણીને દૂષિત કરતો હતો. વનમાં આગ લાગી ત્યારે તેમણે ગોપમિત્રોને બચાવેલા. ગોકુળના રહેવાસીઓ વૃંદાવન ગયાં. કૃષ્ણે દેવોના રાજા ઇન્દ્રને બદલે ગોવર્ધન પર્વતની પૂજા કરવાનું સૂચન કર્યું ગોવર્ધન પર્વત તેમના પાકનું રક્ષણ કરતા. લાકડાં અને ઘર પૂરાં પાડતાં. કૃષ્ણે ગોવર્ધન પર્વતની પૂજા કરી એટલે ઇન્દ્ર ક્રોધે ભરાયા. વરસાદથી વ્રજને તારાજ કર્યું ત્યારે કૃષ્ણે સાત વર્ષની ઉંમરે, સાત દિવસ સુધી ગોવર્ધન પર્વતને ડાબા હાથની નાની આંગળી પર ઉંચક્યો. વ્રજવાસીઓ અને તેમની ગાયોને રક્ષણ પૂરું પાડ્યું. કૃષ્ણ ‘સુપ્રીમ’ ભગવાન છે તે સાબિત થયું.

You might also like