રૂ.૫૦૦-૧૦૦૦ની કરન્સી રદ, છતાં પ્રજાએ સંયમ અને સૌજન્ય દાખવ્યાં!

ભારતની પ્રજા પ્રામાણિક અને દેશભક્તિથી છલોછલ પણ છે, એવું સહેજ અતિશયોક્તિ સહિત કહેવાનું સાહસ અવશ્ય કરી શકાય. બેઇમાનો અને બેવકૂફો ઘણા છે એની પીડા તો છે જ, છતાં ભારતની મોટા ભાગની પ્રજા ઈમાનદારીની અને દેશની ફેવરમાં છે એનું આશ્વાસન પણ સતત મળતું રહે છે.

પાંચસો રૂપિયાની અને એક હજાર રૂપિયાની કરન્સી રાતોરાત કેન્સલ કરી દેવામાં આવી એ કારણે સામાન્ય પ્રજાને કશા વાંક-ગુના વગર ખાસ્સી પરેશાની વેઠવી પડી. જૂની કરન્સી બદલાવવા માટે લાંબી લાઈનોમાં કલાકો સુધી ખડા રહેવું પડ્યું, રોજિંદી ચીજવસ્તુની ખરીદીમાં કેટલીક પજવણી અનુભવવી પડી, છતાં સૌએ એક સૂરમાં કહ્યું કે મોદી સરકારે આ બહુ સરસ અને સાહસિક કદમ ઉઠાવ્યું છે. અર્થતંત્રની ખાસ ગતાગમ ન હોય એવા મારા જેવા લોકોને પણ એટલું તો સમજાય છે કે બે નંબરનો કરોડોનો કારોબાર કરનારા લોકોને આ જોરદાર તમાચો છે. આમ કરવાથી દેશમાંથી સઘળું કાળું નાણું દૂર થઈ જશે એવી ભ્રાંતિમાં ભલે ન પડીએ, પણ એ દિશામાં એક ડગલું ભરાયું છે એવો ભરોસો તો અચૂક જાગે જ છે.

આપણી સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો એ વખતે ભારતના સામાન્ય લોકોએ સોશિયલ મીડિયા દ્વારા અને અન્ય રીતે સેનાને ભરપૂર બિરદાવી હતી. થોડાક ભ્રષ્ટ અને નપુંસક વિરોધી નેતાઓએ બકવાસ કરીને પોતાની ઓકાત બતાવી હતી, તો મોટા ભાગની પ્રજાએ પોતાનો પોઝિટિવ જુસ્સો વ્યક્ત કરીને દેશદાઝ બતાવી હતી.

કોઈ પણ પ્રજાનું ખમીર કટોકટીની ક્ષણે પરખાતું હોય છે. જ્યારે ઘા અને ઘસરકા વેઠવાના આવે ત્યારે એ પ્રજા હતાશ ન થાય, ભાગેડુ ન બને, રોદણાં રડવા ન બેસે, પરંતુ સાહસિક બનીને એ કટોકટીનો સામનો કરે ત્યારે એના વિકાસની દિશા આપોઆપ ખૂલી જતી હોય છે. ફરિયાદો કરનારી અને બળાપા કાઢનારી પ્રજા દેશને ડુબાડતી હોય છે.

બે નંબરનો કારોબાર કાયમ બંધ કરવા માટે કોઈકે વૉટ્સ એપ. પર ઉપાય સૂચવ્યો છે કે દરેક કરન્સી નોટની એક ફિક્સ એક્સપાયરી ડેટ હોવી જોઈએ. જોકે આ ઉપાય ઘણો ખર્ચાળ અને ઘણી તકલીફો પેદા કરનારો છે, છતાં વિચારવા જેવોય છે. એકસો રૂપિયા કે તેથી મોટી રકમની કરન્સી પર તેની એક્સપાયરી ડેટ શરૂથી જ છાપવામાં આવી હોય તો એનો સંગ્રહ થવાની સંભાવના બિલકુલ ઓછી રહે.

રૂ.૫૦૦-૧૦૦૦ની કરન્સી રદ કરવાનો નિર્ણય રાતોરાત ન લેવાયો હોય એ સમજી શકાય છે, કારણ કે એની સામે તરત જ નવી કરન્સી મૂકવી પડે. વળી જૂની નોટો કેટલા સમયમાં ને કઈ રીતે પરત લેવી એનું નક્કર આયોજન કરવું પડે. એ બધા માટે નિષ્ણાતો સાથે પરામર્શ કરવો પડે, સંભવિત પ્રૉબ્લેમ્સના ઉપાયો વિચારવા પડે. મોદીસરકારે કેટલા મહિનાઓથી આ પ્રોજેક્ટનું હોમવર્ક સ્ટાર્ટ કર્યું હશે? છતાં કોઈને એની જરાસરખી ગંધ પણ ન આવવા દીધી એ બહુ મોટી વાત છે.

કેટલાક લોકોએ એવી આર્ગ્યુમૅન્ટ્સ પણ કરી કે ૫૬ની છાતી હોય તો બે નંબરનો કારોબાર કરનારા ભ્રષ્ટાચારી લોકોને ત્યાં સીધી રેઈડ કરવી હતીને ! સામાન્ય અને નિર્દોષ પ્રજાને શા માટે હેરાન કરો છો ? એવું બોલનારા લોકો ભૂલી જાય છે કે સીતાનું હરણ તો માત્ર રાવણે જ કર્યું હતું અને હનુમાનજીએ આખી લંકા બાળવી પડી હતી. એક કહેવત છે કે ‘સાપ (કે ઘો)ના પાપે પીપળો બળે.’ એટલે કે એકના કારણે બીજાને તકલીફ વેઠવી પડે. અહીં પણ એ રીતે જ વિચારવું પડે. રેઈડ કરનાર દરેક અધિકારી પ્રામાણિક જ હોય એવું ન માની શકાય. અબજોનો બેનંબરી કારોબાર કરનાર વ્યક્તિ એ અધિકારીને લાખોની લાંચ આપીને છટકી જ જાય. વર્ષોથી આપણે આવા તમાશા જોતા આવ્યા છીએ. એટલે ઓચિંતું અને અણધાર્યું આક્રમણ જ કરવું પડે અને એમ કરતાં થોડી સાઈડ ઇફેક્ટ્સ થાય તો એ સ્વીકારી લેવી પડે.

ગમેતેમ પણ રૂ.૧૦૦-૧૦૦૦ની કરન્સી રદ થવાની ક્ષણે ભારતની સામાન્ય પ્રજાએ પોતાને પડેલી તકલીફમાં જે સંયમ રાખ્યો છે એને તો બિરદાવવો જ પડે.

You might also like