જન ધન ખાતાંમાંથી રૂ.૧૦,૦૦૦થી વધારે રકમ ઉપાડી શકાશે નહીં

નવી દિલ્હી: જે જન ધન ખાતાંઓમાં ૮ નવેમ્બર બાદ રૂ.પ૦,૦૦૦થી વધુ રકમ જમા કરવામાં આવી છે તે ખાતાંઓમાંથી હાલ તુરત રૂ.૧૦,૦૦૦ કરતાં વધુ રકમ ઉપાડી શકાશે નહીં. કેન્દ્રીય રાજ્ય કક્ષાના નાણાં પ્રધાન સંતોષ ગંગવારે જણાવ્યું છે કે આ પ્રકારનાં તમામ ખાતાંઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં નોટબંધીના નિર્ણય બાદ જન ધન ખાતાંઓમાં રૂ.૧૦,૦૦૦ કરોડ કરતાં વધુ રકમ જમા કરાઇ છે. કેન્દ્રીય રાજ્ય કક્ષાના નાણાં પ્રધાન સંતોષ ગંગવારે જણાવ્યું હતું કે સામાન્ય લોકો નોટબંધીના નિર્ણયની તરફેણમાં છે. અમે પેપરલેસ ઇકોનોમીની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ટૂંક સમયમાં કાળા નાણાં વિરુદ્ધ નક્કર પગલાં ભરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે નોટબંધી બાદ જનધન ખાતાંઓમાં દેશના પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ રકમ જમા થઇ છે. સમગ્ર દેશમાં જન ધન ખાતાની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરમિયાન નોટબંધીના સરકારી ફરમાન બાદ જે લોકોએ પોતાનાં બેન્ક ખાતાંઓમાં રૂ.ર.પ લાખ સુધીની રકમ જમા કરી છે અથવા જમા કરી રહ્યા છે તેઓ પણ તપાસના દાયરામાં આવી શકે છે. સરકાર અઘોષિત નાણાં રાખનારા લોકોને તપાસના દાયરામાં લેવા માટે કાર્યવાહી કરી રહી છે અને આ સંદર્ભમાં રૂ.ર.પ૦ લાખ સુધી ડિપોઝિટ કરનારાઓની પણ પૂછપરછ થઇ શકે છે.

You might also like