હિંદીમાં બોલતા ડોરેમોનથી પાકિસ્તાન ડર્યું

ચંડીગઢ: પાકિસ્તાની બાળકો કાર્ટૂન સિરિયલ ડોરેમોનના ફેન છે. તેઅો અા સિરિયલનાં પાત્ર ડોરેમોન, નોબિતા, સુઝુકા, જિયાન વગેરેના અંદાજમાં હિંદી બોલી રહ્યા છે. અાના કારણે ત્યાંની પાર્ટીઅો પરેશાન છે. ખાસ કરીને ઇમરાન ખાનની પાર્ટી તહરિક-અે-ઇન્સાફ પાર્ટી બુધવારે પાકિસ્તાનની પંજાબ વિધાનસભામાં તેમણે ડોરેમોન પર પ્રતિબંધ મૂકવાની પ્રપોઝલ મોકલી.

પ્રપોઝલમાં કહેવાયું કે ડોરેમોનના કારણે બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે અને તેમની ફિટનેસને પણ અસર થઈ રહી છે. બાળકો હવે ભારતનું હિંદી પણ બોલવા લાગ્યા છે. ભારત તરફથી અા પાકિસ્તાન પર એક સાંસ્કૃતિક હુમલો છે.

ડોરેમોન પાકિસ્તાનમાં સૌથી વધુ હિંદી ડબિંગમાં જોવાય છે. તેના કારણે પંજાબ વિધાનસભાના સભ્ય મલિક તેનુરે પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી અોથોરિટી પેમરાના માધ્યમથી અા કાર્ટૂન દર્શાવનાર ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવાની પ્રપોઝલ મૂકી છે. તેમાં કહેવાયું છે કે કાર્ટૂન ચેનલને ૨૪ કલાકના બદલે થોડા કલાકો માટે પ્રોગ્રામ બતાવવાના અાદેશ જારી કરાય.

અા કાર્ટૂનમાં જે રીતે ભારતીય ભાષા બોલે છે તેને જોતાં અાપણા સમાજને ખતરો થઈ શકે છે. લગભગ તમામ પાર્ટીઅોનું કહેવું છે કે ઉર્દૂ બોલનાર પરિવારનાં બાળકો પણ ડોરેમોનને અંગ્રેજીના બદલે હિંદીમાં જોવાનું પસંદ કરે છે. તેથી તેમની સામાન્ય વાતચીતમાં પણ હિંદીના શબ્દો વધી રહ્યા છે.

લાહોર નિવાસી અર્બન સોશિયોલિસ્ટ નૂઝહત સિદ્દિકીનું કહેવું છે કે પાકિસ્તાન તહેરિક-અે-ઇન્સાફ પાર્ટી પાસે ઉઠાવવા માટે માત્ર અા એક મુદ્દો રહી ગયો છે? તેમને બાળકોથી અાટલી ચીડ શા માટે છે. અાખરે ડોરેમોન મુદ્દો જ કેમ છે. શિક્ષકો સ્કૂલોમાં નાનાં બાળકોને મારી રહ્યા છે અને પીટીઅાઈઅે ડોરેમોન પર પ્રતિબંધ મૂકવાનો મુદ્દો પસંદ કર્યો છે. તેમને અંદાજ પણ નથી કે જો અામ કરાશે તો બાળકો તેમની સાથે શું કરશે. સોશિયલ મીડિયા પર ઇમરાનની મજાક થઈ રહી છે અને તેને ડોરેમોન કરતાં મોટું કાર્ટૂન ગણાવાય છે.

ડોરેમોન જાપાની ફૂજીકો એફ ફૂજીઅો દ્વારા બનાવાયેલી એક જાપાની કાર્ટૂન સિરીઝ છે. અા એક રોબોટિક બિલાડાની કહાની છે. જેનું નામ ડોરેમોન છે. તે સ્કૂલનાં બાળક નોબિતાની મદદ કરે છે. ડોરેમોન સિરીઝ પહેલીવાર ૧૯૬૯માં એક સાથે છ મેગેઝિનમાં પબ્લિશ થઈ હતી. તેમાં કુલ ૧૩૪૪ કહાણી છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૩માં બાંગ્લાદેશ ડોરેમોન પર પ્રતિબંધ મૂકી ચૂક્યું છે. ભારતમાં પણ તાજેતરમાં તેની પર પ્રતિબંધ મૂકવાની અરજી દાખલ કરાઈ છે. ચીન, અમેરિકા, મેક્સિકો, રશિયા, સ્પેન, ફ્રાન્સ અને જર્મની વગેરે તેની પર પ્રતિબંધ મૂકી ચૂક્યા છે.

You might also like