PSUની રૂ. 50 હજાર કરોડ ઈક્વિટી બજારમાંથી ઊભા કરવાની યોજના

મુંબઇ: જાહેર ક્ષેત્રની બેન્કો ચાલુ નાણાકીય વર્ષમાં મૂડીબજારમાંથી રૂ. ૫૦ હજાર કરોડ એકઠા કરવાની યોજના બનાવી રહી છે. બેન્ક બિઝનેસ વિસ્તરણ કરવા માટે તથા વૈશ્વિક જોખમ નિયમોનું-‘રિસ્ક રુલ્સ’ પાલન કરવા માટે નાણાં ઊભાં કરવામાં આવશે.

આ લોકોને મૂડીની ખૂબ અછત છે, કેમ કે જાહેર ક્ષેત્રની આ બેન્કો પર દસ લાખ કરોડ રૂપિયાનો નોન પર્ફોર્મિંગ એસેટ-એનપીએનો બોજો છે. બેન્કોના પ્રથમ ત્રિમાસિક સમયગાળાનાં પરિણામ ઉત્સાહજનક નહીં આવે.

પ્રાપ્ત ડેટા મુજબ જાહેર ક્ષેત્રની ૨૧ બેન્કમાંથી ૧૩ બેન્કોએ પહેલેથી જ ઇક્વિટી બજારમાંથી નાણાં ઊભાં કરવા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કે શેરહોલ્ડરોની મંજૂરી મેળવી લીધી છે. આ બેન્કોના શેર વેચાણનું કુલ મૂલ્ય રૂ. ૫૦ હજાર કરોડ જેટલું થવા જાય છે.

સેન્ટ્રલ બેન્ક ઓપ ઇન્ડિયાએ વિવિધ માધ્યમો દ્વારા રૂ. આઠ હજાર કરોડ ઊભા કરવા માટે શેરધારકો પાસેથી મંજૂરી મેળવી લીધી છે. દરમિયાન કેનેરા બેન્કે પણ રાઇટ ઈશ્યૂ અને ક્યુઆઇપી દ્વારા રૂ. સાત હજાર કરોડ ઊભા કરવા દરખાસ્ત કરી છે.

જ્યારે બેન્ક ઓફ બરોડાએ રૂ. ૬,૦૦૦ કરોડ અને સિન્ડિકેટ બેન્કે રૂ. ૫,૦૦૦ કરોડ ઊભા કરવાની યોજના બનાવી છે. ઓરિયન્ટલ બેન્ક ઓફ કોમર્સ, યુકો બેન્ક, કોર્પોરેશન બેન્ક, દેના બેન્ક, અલાહાબાદ બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્ર પણ નાણાં ઊભાં કરવાની યોજના બનાવી રહી છે.

You might also like