સેન્સેક્સમાં 130 પોઈન્ટનો ઘટાડો, પણ PSU બેંકના સ્ટૉક્સ વધુ તૂટ્યા

અમદાવાદ, ગુરુવાર
આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. વૈશ્વિક બજારોમાં જોવા મળેલ પોઝિટિવ સંકેતોના પગલે બીએસઇ સેન્સેક્સ ૧૩૦ પોઇન્ટના સુધારે ૩૪,૨૮૬, જ્યારે નિફ્ટી ૪૩ પોઇન્ટના સુધારે ૧૦,૫૪૫ પોઇન્ટના મથાળે ટ્રેડિંગમાં જોવા મળી હતી. શરૂઆતે સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૫૦ ટકાનો સુધારો નોંધાયો હતો.

દરમિયાન ઘટાડે લેવાલી આવતાં સવારે ૧૦.૩૭ કલાકે સેન્સેક્સ વધીને ૨૬૦, જ્યારે નિફ્ટી ૮૫ પોઇન્ટના સુધારે ૧૦,૫૮૬ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સમાં પણ સુધારાની ચાલ જોવા મળી હતી. ઇન્ડિયન હોટલ, ઓબેરોય રિયલ્ટી,
ટોરન્ટ પાવર કંપનીના શેરમાં બે ટકા સુધીનો સુધારો નોંધાતાં મિડકેપ સેક્ટર ઇન્ડેક્સ ૦.૪૦ ટકા વધ્યો હતો.

મેટલ, આઇટી, પ્રાઇવેટ બેન્ક, પાવર અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ઘટાડે એફઆઇઆઇ સહિત રોકાણકારોની ખરીદી નોંધાઇ હતી. ભારતી ઇન્ફ્રાટેલ, વેદાન્તા, અદાણી પોર્ટ્સ, ઇન્ફોસિસ, ટાટા મોટર્સ, એચડીએફસીના શેરમાં બે ટકાનો સુધારો નોંધાયો હતો, જોકે બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે હજુ પણ બજારમાં ક્યાંક ને ક્યાંક શંકા-કુશંકા પ્રવર્તે છે, જેના પગલે બજારમાં અનિશ્ચિતતાભર્યો ટ્રેન્ડ જોવા શકે છે.

જ્વેલરી કંપનીના શેરને પણ પીએનબી કૌભાંડની અસર
પંજાબ નેશનલ બેન્કના બહાર આવેલા રૂ. ૧૧,૦૦૦ કરોડથી વધુના કૌભાંડના છાંટા કેટલીક જ્વેલરી કંપનીઓ પર પણ ઊડે તેવી ભીતિના પગલે આજે શરૂઆતે મોટા ભાગની જ્વેલરી કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને ગીતાંજલિ જેમ્સ કંપનીના શેરમાં ૧૪ ટકાનું ગાબડું પડ્યું હતું અને આ શેર રૂ. ૫૦ના મથાળે ટ્રેડિંગમાં આજે શરૂઆતે જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ શેરમાં ગઇ કાલે પણ ૬.૭૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એટલું જ નહીં પીસી જ્વેલર્સ, ટીબીઝેડ, રાજેશ એક્સપોર્ટ જેવી જ્વેલરી કંપનીના શેરમાં પણ ઘટાડાની ચાલ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે બહાર આવેલા બેન્કના કૌભાંડમાં ગીતાંજલિ જ્વેલરી કંપની પણ તપાસના ઘેરામાં છે અને તેના પગલે આ કંપનીના શેરના શેર તૂટ્યા હતા.

You might also like