ખાનગી સામે પીએસયુ બેન્કના શેર ઝળક્યાઃ મહિનામાં ૩૭ ટકા સુધીનું રિટર્ન

અમદાવાદ: છેલ્લા એક મહિનામાં ખાનગી બેન્ક કરતાં જાહેર ક્ષેત્રની બેન્કોના શેરોમાં ચળકાટ જોવા મળ્યો છે. સામાન્ય રીતે જાહેર ક્ષેત્રની બેન્કોના શેરમાં ખાનગી બેન્કો કરતાં સુધારાની ચાલ ધીમી જોવાતી હોય છે, પરંતુ પાછલા દિવસોમાં કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની બેન્કોમાં સુધારાના લેવાયેલા કેટલાક નિર્ણયોના પગલે પીએસયુ બેન્કોના શેરમાં ૩૦ ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે.

છેલ્લા એક મહિનામાં જાહેર ક્ષેત્રની અગ્રણી બેન્ક એસબીઆઇમાં ૧૦ ટકાનો ઉછાળો નોંધાયો છે, જ્યારે પંજાબ નેશનલ બેન્કમાં ૩૭ ટકાનો બમ્પર ઉછાળો માત્ર એક જ મહિનામાં જોવા મળ્યો છે. અન્ય બેન્કોના શેરોમાં પણ અેક મહિનામાં ૧૦ ટકાથી વધુનો સુધારો નોંધાયો છે. તો તેની સામે ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્ક આઇસીઆઇસીઆઇના શેરમાં અેક મહિનામાં નેગેટિવ રિટર્ન છૂટ્યું છે. એક્સિસ બેન્કના શેરમાં ચાર ટકા, યસ બેન્કના શેરમાં આઠ ટકા જેટલો સુધારો જોવાયો છે, જે જાહેર ક્ષેત્રની બેન્કમાં જોવાયેલા એવરેજ ૧૦ ટકા કરતાં નીચો છે.

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બેન્કની સબસિડિયરી બેન્કને પણ મર્જ કરવાના નિર્ણયની પીએસયુ બેન્કોમાં સકારાત્મક ચાલ જોવા મળી હતી, એ જ પ્રમાણે સરકાર અન્ય જાહેર ક્ષેત્રની બેન્કોનું પણ ખૂબ જ ઝડપથી મર્જર કરવાનું આયોજન કરી રહી છે. આવા સંજોગોમાં બેન્કિંગ સેક્ટર પર તેની સકારાત્મક ચાલ જોવા મળી હતી અને તેને કારણે છેલ્લા એક જ મહિનામાં ખાનગી ક્ષેત્રની બેન્કો કરતાં જાહેર ક્ષેત્રની બેન્કોના શેરો ઝળક્યા હતા.

એક મહિનામાં ખાનગી ક્ષેત્રની બેન્કમાં સુધારો
ICICI બેન્ક               – ૧.૮૪ ટકા
એક્સિસ બેન્ક              ૪.૮૧ ટકા
યસ બેન્ક                    ૮.૦૦ ટકા
કોટક મહિન્દ્રા બેન્ક     ૨.૬૪ ટકા
એચડીએફસી બેન્ક     – ૦.૧૧ ટકા
કરુર વૈશ્ય બેન્ક          ૬.૧૩ ટકા

મહિનામાં જાહેર ક્ષેત્રની બેન્કમાં જોવાયેલો ઉછાળો
એસબીઆઈ                   ૧૦.૦૭ ટકા
બેન્ક ઓફ બરોડા            ૧૧.૨૩ ટકા
પંજાબ નેશનલ બેન્ક       ૩૭.૦૫ ટકા
બેન્ક ઓફ ઈન્ડિયા          ૧૭.૨૨ ટકા
કોર્પોરેશન બેન્ક              ૧૪.૯૯ ટકા
અલ્હાબાદ બેન્ક              ૩૧.૩૭ ટકા
આંધ્ર બેન્ક                      ૧૫.૬૩ ટકા
કેનેરા બેન્ક                     ૧૩.૭૨ ટકા
ઓરિયેન્ટ બેન્ક               ૨૮.૮૧ ટકા

You might also like