અનેક વિવાદોમાં ઘેરાયેલા પીએસઅાઈએ અાપઘાત કરતાં ચકચાર

અમદાવાદ: કસ્ટોડિયલ ડેથ અને યુવતીના છેડતી પ્રકરણ સહિતના અનેક વિવાદોમાં ઘેરાયેલા પીએસઅાઈ મેહુલકુમાર મારુએ ગઈ મોડીરાતે પોતાના રાજકોટ રામનાથપરા પોલીસ લાઈન સ્થિત ક્વાર્ટર્સમાં ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી લેતા અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એ‍વી છે કે મૂળ પાલિતાળા રહીશ અને હાલ રાજકોટ બી-ડિવિઝનમાં પીએસઅાઈ તરીકે ફરજ બજાવતા ૩૨ વર્ષીય મેહુલકુમાર મારુએ ગઈ મોડીરાતે રાજકોટના રામનાથપરા વિસ્તારની પોલીસ લાઈનમાં અાવેલા પોતાના ક્વાટરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું. મારુ પોતાના પરિવાર સાથે અા ક્વાર્ટર્સમાં રહેતા હતા. મોડીરાતે તેમના મૃત્યુની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રામનાથપરા પોલીસ લાઈનમાં લોકોના ટોળેટોળા એકઠા થતા જાતજાતના તર્કવિતર્કો વહેતા થયા હતા. લાશને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી અાપી અાજે સવારે તેમના મૃતદેહને વતન પાલિતાણા ખાતે લઈ જવામાં અાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સાત મહિના અગાઉ રાજકોટમાં રાજમોતી ઓઈલ મિલના ડેપો મેનેજર દિનેશ દક્ષિણીના કસ્ટોડિયલ ડેથમાં પ્રકરણના વિવાદમાં પીએસઅાઈ મારુ સપડાયા હતા અને તે વખતે નોકરીમાંથી લાંબી રજા પર ઊતરી ગયા હતા. ત્યારબાદ ઉપલેટા ખાતે એક યુવતીના પ્રેમ પ્રકરણમાં પણ તેઓ ચર્ચાની અરણે ચઢ્યા હતા. ઉપલેટાની એક યુવતીને ધમકી અાપી હતી તે પ્રકરણમાં યુવતીએ છેડતીની ફરિયાદ કરી હતી અને પોલીસે મારુની ધરપકડ કરતા તેમને હાથ પર બ્લેડના ઘા મારી અાપઘાતનો પ્રયાસ કર્યો હતો અને સારવાર દરમિયાન સરકારી હોસ્પિટલમાંથી રજા લીધા વગર ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. અામ અનેક વિવાદોમાં ઘેરાયેલા અા પીએસઅાઈ મારુએ અાત્મહત્યા કરતા અા ઘટનાએ અનેક તર્ક-વિતર્કો ઊભા કર્યા છે. પોલીસે અા અંગે સઘન તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like