અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PSI સિંગર‌િખયાને સસ્પેન્ડ કરાયા

અમદાવાદ: સુરેન્દ્રનગરના મોટી મજેઠી ગામે આવેલા રિસોર્ટમાંથી અમદાવાદના વેપારીની દારૂની મહેફિલમાં ઝડપાવવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ પી. સી. સિંગર‌િખયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીએસઆઈ રજા પર ન હોવા છતાં તેઓ દારૂની મહે‌િફલમાં હાજર હતા, જેને લઈ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાએ અમદાવાદ પોલીસને રિપોર્ટ કર્યો હતો, જેને લઇ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના મોટી મજેઠી ગામમાં આવેલા રિસોર્ટમાં અમદાવાદના દાણીલીમડામાં રહેતા ટાઇલ્સના વેપારી ઇરફાન રઝાક મેમણના જન્મદિવસની પાર્ટી મનાવવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પ્રશાંત સિંગર‌િખયા અને ચાર યુવતીઓ સહિતના નબીરાઓ રિસોર્ટમાં આવ્યા હતા.

બજાણા પોલીસે દરોડો પાડી અમદાવાદના ૧૧ લોકો સ‌િહત ર૧ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે પીએસઆઈ સ‌િહતના લોકોનું મેડિકલ કરાવ્યું હતું, જેમાં નશામાં ચકચૂર બનેલા આઠ શખ્સો સામે ગુનો દાખલ કરાયો હતો જ્યારે બાકીના ૧૩ લોકોનાં બ્લડ સેમ્પલ લઇ જવા દેવાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા દીપક મેઘાણીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેવી મહત્ત્વની એજન્સીના જવાબદાર પીએસઆઇ રજા પર ના હોવા છતાં તેમના કાર્યક્ષેત્રની બહાર હતા, જેને લઇ અમદાવાદ પોલીસને રિપોર્ટ કર્યો હતો. રિપોર્ટ બાદ તેમને ગત રાતે જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેમની ખાતાકીય તપાસ પણ શરૂ કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

You might also like