પીએસઆઈએ જાહેરમાં વેપારીને ઝૂડી નાખ્યોઃ પોલીસ કમિશનરને તપાસ કરવા કોર્ટનો આદેશ

અમદાવાદ: શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીએસઆઇએ વેપારીને જાહેરમાં ઢોર માર મારવાના ચકચારી કિસ્સામાં મેટ્રોપો‌િલટન મે‌િજસ્ટ્રેટે પોલીસ કમિશનર એ.કે.સિંઘને તપાસ કરવાનો આદેશ કર્યો છે. 23 દિવસ પહેલાં પીએસઆઇએ વેપારી તેમજ તેમના મિત્રને કોઇ પણ કારણ વગર ઢોર માર માર્યો હોવાની ફરિયાદ મેટ્રોપો‌િલટન કોર્ટમાં કરવામાં આવી હતી. નારોલ રોડ પર આવેલ ફૈસલ પાર્કમાં રહેતા અને રેડીમેડ ગાર્મેન્ટ્સનો વેપાર કરતા ઇરફાન ગુલાબભાઇ રંગરેજે કરેલી ફરિયાદ મુજબ તારીખ 1 ફેબ્રુઆરીના રોજ રાત્રીના 10 વાગ્યાની આસપાસ ન્યુ ફૈસલનગર પોલીસચોકી પાસે ઇરફાન તેમના મિત્રો સાથે બેઠા હતા. તે સમયે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એચ.એન.પટેલ અને અન્ય ત્રણ પોલીસકર્મીઓ બાઇક લઇને આવ્યા હતા.

પીએસઆઇ એચ.એન. પટેલે ઇરફાન પાસે આવીને કહ્યું કે તારે તપાસના કામે અમારી સાથે હાલ ચંડોળા પોલીસચોકી આવવાનું છે. ઇરફાને જવાનો ઇન્કાર કરી દેતાં પીએસાઇએ તેને જાહેરમાં માર મારવાનું શરૂ કરી દીધું હતું અને બળજબરીપૂર્વક બાઇક પર બેસાડીને ચંડોળા પોલીસચોકી પર લઇ ગયા હતા. ઇરફાન સાથે તેમના મિત્ર મહંમદલઇક બશીરઅહેમદ અંસારીને પણ પોલીસચોકી લઇ ગયા હતા. પોલીસચોકીમાં ગયા પછી ઇરફાન અને મહંમદલઇકને ખોટા કેસમાં ફસાવી દેવા માટે ધમકી આપીને ઢોર માર માર્યો હતો તેમજ અપમાનજનક શબ્દો બોલીને ૧૪ હજાર રૂપિયા લૂંટી લીધા હતા.

લોકઅપમાં પણ પીએસઆઇએ પટ્ટા વડે માર માર્યો હતો. તારીખ 2 ફેબ્રુઆરીના રોજ ચાર વાગ્યાની આસપાસ બન્ને યુવકોને સીઆરપીસી 151 મુજબ અટકાયતી પગલાં ભરીને એ‌િક્ઝક્યુ‌િટવ કોર્ટ નંબરમાં રજૂ કર્યા હતા. જામીન પર મુક્ત થયા પછી ઇરફાન અને મહંમદલઇન વીએસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ ગયા હતા. દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ પટેલ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવવા માટે ગયા ત્યારે પોલીસ સ્ટેશને ફરિયાદ લેવાનો ઇન્કાર કરી દીધો હતો, જેથી ઇરફાન રંગરેજે વકીલ મુસ્તાક એમ.શેખ દ્વારા મેટ્રોપો‌િલટન કોર્ટ નંબર 14ના મે‌િજસ્ટ્રેટ એચ.એન.દેસાઇ સમક્ષ પીએસઆઇ વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી અને ન્યુ ફૈસલનગર ચોકી પાસે પોલીસે માર માર્યો હતો તેના સીસીટીવી ફૂટેજ પણ રજૂ કર્યા હતા.

બન્ને પક્ષની દલીલો સાંભળતાં મે‌િજસ્ટ્રેટ એચ.એન.દેસાઇએ પીએસઆઇ પટેલ વિરુદ્ધમાં તપાસ કરવા માટે પોલીસ કમિશનર એ.કે.સિંઘને આદેશ કર્યો છે. 60 દિવસ સુધીમાં પીએસઆઇ વિરુદ્ધમાં તપાસ કરીને મેટ્રો કોર્ટમાં રિપોર્ટ સબ‌િમટ કરાવવાનો પણ આદેશ મે‌િજસ્ટ્રેટે કર્યો છે.

http://sambhaavnews.com/

You might also like