પીએસઆઈ બનવાની દોડમાં પોલીસ કોન્સ્ટેબલનું મોત

અમદાવાદ: પીએસઆઇની સીધી ભરતીમાં લેખિત પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની શારીરિક કસોટી હાલ ચાલી રહી છે. ગાંધીનગર એસઆરપી ગ્રૂપનાં મેદાનમાં અને અમદાવાદ હેડકવાર્ટર ગ્રાઉન્ડમાં પરીક્ષા લેવાય છે. ગાંધીનગર એસઆરપી ગ્રૂપ-૧રનાં મેદાનમાં ગઇ કાલે દોડ દરમ્યાન નર્મદા જિલ્લામાં રહેતા અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને શ્વાસ ચઢતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ અંગે ગાંધીનગર પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરીછે.

મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના તિલકવાડા ગામે રહેતા અને ભરૂચના અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રદીપકુમાર કંચનભાઇ તડવી પી.એસ.આઇ.ની સીધી ભરતીની શારીરિક કસોટીમાં દોડ માટે ગાંધીનગર એસઆરપી ગ્રૂપ-નં.૧ર ખાતે ગઇ કાલે આવ્યા હતા. દોડ દરમ્યાન તેમને શ્વાસ ચઢતાં તાત્કાલીક ગ્રાઉન્ડ સ્ટાફ દોડી ગયો હતો.

ગ્રાઉન્ડ પર તેમને તાત્કાલીક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.  આ અંગે તેમના પરિવારજનો અને અંકલેશ્વર પોલીસને જાણ કરાતાં તેઓ દોડી આવ્યા હતા. પોલીસે હાલ આ અંગે તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ તેમણે આંતરડાંનું ઓપરેશન કરાવ્યું હતું અને ગઇ કાલે દોડ દરમ્યાન તેઓ પડી ગયા હતા.

http://sambhaavnews.com/

You might also like