કામ બાબતની તકરારમાં PSIએ ASI પર ફાયરિંગ કરતાં ચકચાર

અમદાવાદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઅાઈ અને એએસઅાઈ વચ્ચે કામ કરવાની બાબતમાં જોરદાર ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પીએસઅાઈએ એએસઅાઈ ઉપર પોતાની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરતાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે અા ઘટનામાં એએસઅાઈનો અાબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી પ્રમાણે ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઅાઈ રાજેશ મુંધવા અને ચિકલિયા અાઉટ પોસ્ટના એએસઅાઈ ડી.કે. પરમાર વચ્ચે છેલ્લાં કેટલાક દિવસથી કામ કરવાની બાબતે ઝઘડો ચાલતો હતો. પીએસઅાઈના કહ્યા પ્રમાણે એએસઅાઈ કામ કરતા ન હતા અને પેન્ડિંગ કાગળોનો નિકાલ ન કરતા હોવાથી ગઈકાલે રાતે બંને વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. અા વખતે ઉશ્કેરાયેલા પીએસઅાઈ રાજેશ મુંધવાએ પોતાની સર્વિસ રિવોલ્વરથી એસએસઅાઈ પરમાર પર ફાયરિંગ કર્યું હતું. જોકે પરમાર ઝડપથી ખસી જતાં ગોળી પાસેથી પસાર થઈ ગઈ હતી અને તેમનો અાબાદ બચાવ થયો હતો. અા ઘટનાને પગલે લીંમડી પોલીસ સ્ટેશનમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને પોલીસ સ્ટેશનની બહાર લોકોના ટોળેટોળાં ભેગાં થયાં હતાં.

અા ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાબડતોબ લીમડી પોલીસ સ્ટેશને પહોંચી જઈ સઘન તપાસ શરૂ કરી હતી. જિલ્લા પોલીસવડાએ પીએસઅાઈ મુંધવા અને એએસઅાઈ પરમારની તાત્કાલીક ધોરણે અન્યત્ર બદલીના હુકમો કર્યા હતા.

http://sambhaavnews.com/

You might also like