પ્રોવિઝનલ ID જનરેટ ન થતાં ૩૦ હજાર વેપારીના GST નંબર અટવાયા

અમદાવાદ: કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે જીએસટી આવે તે પૂર્વે નવા રજિસ્ટ્રેશન નંબર લેવા માટે પાન-પરમેનન્ટ એકાઉન્ટ નંબર નાખવો ફરજિયાત બનાવ્યો હતો, પરંતુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા પાન નંબર આપવામાં આવ્યો હોવા છતાં એક યા બીજા કારણસર અથવા તો જીએસટીની તૈયારીના ભાગરૂપે પાન નંબર ચેન્જ નહીં થઇ શકવાના કારણે જીએસટીનો પ્રોવિઝનલ આઇડી નંબર જનરેટ થઇ શકતો નથી અને તેના કારણે નવા જીએસટીમાં માઇગ્રેશન થવું પણ વેપારીને મુશ્કેલરૂપ થઇ રહ્યું છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રાજ્યમાં ૩૦થી ૪૦ હજાર આવા વેપારી છે કે જેઓના ચેન્જ થયેલા પાન નંબર કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ચેઇન્જ નહીં થઇ શકતાં નવો પ્રોવિઝનલ આઇડી નંબર ઈશ્યૂ થઇ શક્યો નથી. મળતી માહિતી મુજબ વેબસાઇટનું ‘પોપ-અપ’ જ ખૂલતું નથી. પ્રોવિઝનલ આઇડી નહીં મળી શકવાના કારણે જીએસટી બાદ વેપારીને નવો નંબર મેળવવો જરૂરી છે, પરંતુ આ નંબર નહીં મળી શકતા કારોબાર કરવો મુશ્કેલરૂપ બન્યો છે. શહેરના ૨૦ હજારથી વધુ વેપારીઓને પ્રોવિઝનલ આઇડી નંબર ઈશ્યૂ થઇ શક્યો નથી.

વેચાણવેરા સમાધાન યોજના ૨૦૧૭ ગઈ કાલે પૂરી થઇ છે, પરંતુ આ યોજનાને ખૂબ નબળો પ્રતિસાદ મળ્યો છે. મળતી માહિતી મુજબ એક મહિનામાં ૫૦૦થી ૭૦૦ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. હવે જીએસટી અમલમાં આવ્યો છે ત્યારે આ સંજોગોમાં મોટા ભાગના જૂના કેસનો નિકાલ આવે તે માટે બાર એસોસેયિશને આ યોજના વધુ એક મહિનો લંબાવવાની માગ કરી છે.
http://sambhaavnews.com/

You might also like