સિદ્ધ પુરુષોનું સાંનિધ્ય

વિશાળ સરોવરની ચારે બાજુ ફરતી પર્વતોની સુંદર હારમાળા હતી. પર્વતોની તળેટીનો આ વિશાળ ભાગ અત્યંત મનોહર હતો. સરોવરનંુ પાણી અત્યંત સ્વચ્છ અને નિર્મળ હતું. તળિયે રંગબેરંગી પથ્થરો શોભતા હતા, કિનારે ફરતા જાતજાતનાં વૃક્ષો હતાં, જાતજાતનાં ફળો હતાં, જાતજાતનાં ફૂલો હતાં, જાત જાતનાં પંખીઓ કલરવ કરી રહ્યાં હતાં.
કાળા માથાનો માનવી અહીં ક્યારેય પ્રવેશી ન શકે એવી આ અલૌકિક દિવ્ય ભૂમિ હતી. ઘનશ્યામ સરોવરને કિનારે ધ્યાન કરવા લાગ્યા.
અનુભવી મહાત્માઓ કહે છે કે દેવાત્મા હિમાલયની પવિત્ર ભૂમિમાં આજે પણ સેંકડો દિવ્ય અને સિદ્ધ યોગી પુરુષો વસે છે. કોઇ દુન્યવી માણસને એમનાં દર્શન થતાં નથી. એ યોગીઓ ધારે તો જ એમનાં દર્શન થઇ શકે છે.
હિમાલયના પવિત્ર સરોવરને કિનારે વિરાજમાન ઘનશ્યામની આગળ આવા જ કોઇ દિવ્ય સિદ્ધપુરુષોનું વૃંદ પ્રગટ થયું. આ સિદ્ધ પુરુષો ઘનશ્યામના તેજસ્વી મુખારવિંદને નીરખી રહ્યા.
થોડી વારે ઘનશ્યામે નેત્રો ખોલ્યાં. સામે સિદ્ધોને જોઇને વંદન કર્યા. સિદ્ધોએ પણ ઘનશ્યામને સામે પ્રણામ કર્યા. ઘનશ્યામે સિદ્ધોને વંદન કરી અને પૂછ્યું, “હે મહાપુરુષો, આપ કોણ છો?”
સિદ્ધપુરુષોએ કહ્યું, “બાલા જોગી, અમે દુર્વાસા ઋષિના શિષ્યો છીએ. હઠયોગની સાધનાથી અમે કાળ ઉપર વિજય મેળવેલો છે. અમારી આ કાયા યોગ સિદ્ધ છે. પ્રાણ યોગ અને સૌર સાધના અમને નિત્ય નીરોગી રાખે છે. અમે વર્ષોથી આ દિવ્ય ભૂમિમાં યોગ સાધના કરીએ છીએ. આ એવી દિવ્ય ભૂમિ છે કે અહીંથી તપ કરીને બદરિકાશ્રમમાં જવાય છે અને શ્વેતદ્વીપમાં પણ જવાય છે.”
“આ વિસ્તારમાં અમારા ઇચ્છા સિવાય કોઇનો પ્રવેશ થઇ શકતો નથી. પાંડવોના સમયમાં ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી અર્જુનજી અહીં પધાર્યા હતા અને તપ કરી દિવ્ય શક્તિઓ મેળવી હતી. સાધારણ માનવીથી અહીં આવી શકાતું નથી. અમે અમારી દિવ્ય શક્તિથી જાણી લીધું હતું કે આપ મહાન યોગી છો, કારણ કે કોઇ સાધારણ માનવ આ ગુફા ઓળંગીને અહીં સુધી પહોંચી શકે જ નહીં.
અહીંથી થોડે દૂર યોગીઓની વસાહત છે, જેમાં અનેક મહાન યોગી પુરુષો નિવાસ કરે છે. આ વસાહતના રાજા પણ મહાન યોગી છે અને અમારા શિષ્ય છે. રાજ અમારી જેમ જ યોગ સાધનાને લીધે ભૂત ભવિષ્યની વાત જાણી શકે છે. આપ અહીં પધાર્યા છો આએ વાતને રાજાએ યોગ શક્તિથી જાણી લીધી છે. રાજાના હૃદયમાં આપને મળવાની તીવ્ર ઇચ્છા છે તેથી થોડી જ વારમાં એ અહીં આપનાં દર્શને આવી રહ્યા છે.”
આમ સંવાદ ચાલે છે ત્યાં જ રાજા પોતાના સેવકો સાથે પધાર્યા અને એમણે ઘનશ્યામ સહિત સર્વ સિદ્ધ વૃંદને પ્રણામ કર્યા અને ઘનશ્યામને હાથ જોડી વિનંતી કરી, “હે બાાલા જોગી, તમે અમારી યોગ નગરીમાં પધારો.”
ઘનશ્યામ આ દિવ્ય સિદ્ધોનાં દર્શનથી પોતાનાં અંતરમાં આનંદ અનુભવી રહ્યા હતા, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે સિદ્ધોની આ અલૌકિક યોગ શક્તિનો એમના ઉપર કોઇ પ્રભાવ વરતાતો ન હતો.
ઘનશ્યામે વિનમ્ર ભાવે રાજાને કહ્યું, “અમને વન પર્વત વહાલાં છે. અમે કોઇ ગ્રામ નગરમાં જતા નથી એટલે અમે તમારી વસાહતમાં તો નહીં આવીએ, પરંતુ અહીં જ બેસીને સત્સંગ કરીશું.”
ઘનશ્યામની વાતનો મર્મ હતો કે યોગના ચમત્કારોથી આપ અમને લોભાવી નહીં શકો. રાજાએ ખૂબ આગ્રહ કર્યો, પરંતુ ઘનશ્યામ જવા તૈયાર ન થયા.
હિમાલયના પવિત્ર વાતાવરણમાં, સુંદર સરોવરને કિનારે આ મહાન યોગીઓ તથા નાનકડા ઘનશ્યામ વચ્ચે પરસ્પર સંવાદ થયા. યોગના અનેક પ્રકારો અને યોગમાર્ગની અનેક પ્રકારની આંટીઘૂંટીઓની તેમજ અવરોધોની ચર્ચા થઇ.
બાલ ઘનશ્યામનું યોગ વિશેનું અગાધ જ્ઞાન જોઇને બધા જ સિદ્ધપુરુષોને ભારે આશ્ચર્ય થયું.•
શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામી
એસજીવીપી ગુરુકુળ, છારોડી

You might also like