કાવેરી મુદ્દે કર્ણાટકમાં હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા

બેંગલુરુ: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે કાવેરી નદી જળ વિવાદ વધુ ઘેરો બન્યો છે. કાવેરી જળ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ આજે કર્ણાટકમાં હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને ઠેર ઠેર લોકોએ ચક્કાજામ કરી દીધા હતા. કાવેરી હોરાતા સમિતિએ માંડ્યામાં આજે બંધનું એલાન આપ્યું છે. બંધના એલાનના સંદર્ભમાં સરકારે ૨૪૦૦ પોલીસકર્મીઓ તહેનાત કર્યા છે. પરિણામે તામિલનાડુની હોસુર સરહદ પર મોટી સંખ્યામાં બસો અને અન્ય વાહનો ઠપ થઈ જતાં ચક્કાજામની સ્થિતિ સર્જાઈ છે.

માંડ્યા જિલ્લામાં આજે તમામ શાળા અને કોલેજો બંધ છે. રાજ્ય પરિવહનની ૭૦૦ જેટલી બસો પણ રસ્તા પરથી ગાયબ છે. શ્રીરંગાપટ્ટનમમાં પણ કોર્ટના આદેશ વિરુદ્ધ દેખાવો થયાના સમાચાર છે. કર્ણાટકના કાયદાપ્રધાન ટી.બી. જયચંદ્રએ લોકોને શાંતિ રાખવા અને કાયદાે હાથમાં નહીં લેવાની અપીલ કરી છે. બીજી બાજુ કોર્ટના આદેશ બાદ કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધા રમૈયાએ આ આદેશ પર ચર્ચા-વિચારણા કરવા સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે આ કેસમાં કર્ણાટકને તામિલનાડુ માટે ૧૦ િદવસની અંદર ૧૫,૦૦૦ ક્યુસેક પાણી છોડવા આદેશ કર્યો હતો. આ અગાઉ સુનાવણી દરમિયાન અદાલતે બંને રાજ્યને જીવો અને જીવવા દોની નીતિનું પાલન કરવા જણાવ્યું હતું.

You might also like