ઇરાકમાં શિયાઓએ બગદાદ લીધુ બાનમાં : સંસદમાં લૂંટફાટ

બગદાદ : નવી કેબિનેટની રચનાની માંગ સાથે ઇરાકમાં શિયા નેતા મુકતાદા અલ સદ્રનાં નેતૃત્વમાં મોટા પ્રમાણમાં પ્રદર્શનકારનારાઓ ઇરાકી સંસદમાં ધુસી ગયા હતા. તોફાની તત્વોએ સંસદમાં ઘુસીને મોટા પ્રમાણમાં તોડફોડ ઉપરાંત લૂંટફાટ પણ કરી હતી. પ્રદર્શનકર્તાઓનું કહેવું છેકે દેશનાં વડાપ્રધાન હૈદર અલની સરકારનાં તમામ મંત્રીઓ ભ્રષ્ટાચારમાં ખદબદી રહ્યા હોવાનો આરોપ લગાવી રહ્યા છે. ઉપરાંત મંત્રીઓનાં સંબંધો સુન્ની આતંકવાદીઓ સાથે હોવાનાં પણ આરોપ લગાવ્યા હતા.

ઇરાકમાં છેલ્લા એક અઠવાડીયાથી શિયા ધાર્મિક ગુરૂ મૌલવી મુક્તદા અલ સદ્રનાં વડપણ હેઠળ વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યા છે. જેનાં ભાગરૂપે પ્રદર્શનકારીઓ ગ્રીન ઝોન, દૂતાવાસ અને સરકારી ઇમારતોમાં ધુસી ગયા હતા. આ વિરોધ પ્રદર્શનને પગલે બગદાદમાં ઇમરજન્સી જાહેર કરવાની ફરજ પડાઇ છે. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે સુરક્ષાદળોને ટીયરગેસનાં શેલ છોડવા ઉપરાંત પ્લાસ્ટિક બુલેટ્સ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.

દેશનાં વડાપ્રધાન હૈદર અલ અબાદીએ પ્રદર્શનકર્તાઓને પ્રદર્શન માટે નક્કી કરાયેલા સ્થળે પરત જવા માટેની અપીલ કરી છે. જો કે પ્રદર્શનની આ સમગ્ર ઘટનાને વિદેશી દૂતાવાસો ચિંતાની નજરે જોઇ રહ્યા છે. ઇરાકમાં હાલ પરિસ્થિતીઘણી તંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકન સૈન્યનાં ત્રાસમાંથી મુક્ત થયેલા ઇરાકમાં હાલમાં જ ચૂંટણી યોજાઇ હતી.જો કે હાલ ઇરાકનાં રાજકારણની સમગ્ર પરિસ્થિતી ડામાડોળ છે. અત્યારે દેશ બે ફાડામાં વહેંચાઇ ગયો હોય તેવી પરિસ્થિતી સર્જાઇ છે.

You might also like