અરવિંદ કેજરીવાલ પહોંચ્યા મહેસાણા : ભાજપ – આપનાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ

અમદાવાદ : આપ નેતા અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. તેઓએ અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને કાર્યકરોને મોઢુ દેખાડ્યા બાદ મહેસાણા માટે રવાના થયા હતા. જ્યાં તેઓ પાટીદાર અનામત આંદોલનનાં આગેવાનો સાથે તો મુલાકાત યોજશે જ પરંતુ હાલ સમગ્ર પરિસ્થિતી અનિર્ણિત છે.

આમ આદમી પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલનાં ગુજરાત આગમન સાથે જ ગુજરાતનું રાજકારણ ગરમાઇ ગયું છે. અમદાવાદ એરપોર્ટ પર ભાજપ અને આપનાં કાર્યકરો સામસામે આવી ગયા હતા. તેમની વચ્ચે ઉગ્ર સુત્રોચ્ચાર થતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. કેજરીવાલનું સ્વાગત કરવા આપના કાર્યકરો એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં ભાજપનાં કાર્યકરો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા.
જો કે એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ આવે તે પહેલા જ આપ અને ભાજપનાં કાર્યકરો વચ્ચે સમરાંગણ સર્જાયું હતું. અંદરોઅંદર સંધર્ષ થતા પોલીસ દોડી આવી હતી અને કાર્યકરોને વિખેર્યા હતા.

આપનાં સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી ત્રિદિવસીય ગુજરાતનાં પ્રવાસે છે. જેનાં પગલે ભાજપ દ્વારા ઠેરઠેર તેનો વિરોધ થઇ રહ્યો છે. ભાજપનાં કાર્યકરો દ્વારા નવરંગપુરા ખાતે આવેલી આપની ઓફીસ નીચે પણ પોસ્ટર્સ લગાડ્યા હતા. જેમાં અરવિંદ કેજરીવાલની સરખામણી આસારામ સાથે કરવામાં આવી હતી.

You might also like