50 હજાર રૂપિયા આપી દે પછી કોઈ તારી જોડે ઉઘરાણી નહીં કરે

અમદાવાદ: સરદારનગરમાં રહેતા એક યુવાનને ડોન બનવાનું સપનું મોંઘું પડ્યું છે. સરદારનગરમાં રહેતી એક વ્યકિતને લેણદારોના ત્રાસથી મુક્ત કરાવવા માટે યુવકે 50 હજાર રૂપિયા પ્રોટેક્શન મની પેટે માગતાં તેને લોકઅપની હવા ખાવી પડી છે.

શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા હિતેશ સિંધવાણી નામના યુવકે એકાદ-બે વર્ષ પહેલાં ગંગારામ પંજવાણી પાસે સાડા છ લાખ રૂપિયા કપડાંનો વેપાર કરવા માટે લીધા હતા. હિતેશે રૂપિયા નહીં આપતાં ગંગારામે ઉઘરાણી શરૂ કરી હતી, જેમાં હિતેશ પાસે ગંગારામ રૂપિયા માગે છે તેની બંગલા એરિયામાં રહેતા રમુ સિંધી નામના યુવકને ખબર પડી હતી.

થોડાક દિવસો પહેલાં રમુ સિંધી હિતેશ સિંધવાણી પાસે આવ્યો હતો અને મને 50 હજાર રૂપિયા આપી દે પછી કોઇ તારી પાસે રૂપિયાની ઉઘરાણી નહીં કરે તેવી ખાતરી આપી હતી. રૂપિયા નહીં આપે તો જીવવાનું હરામ કરી દેવાની પણ ધમકી પણ આપી હતી. ધમકીથી ડરી જઇને હિતેશે 23 હજાર રૂપિયા રમુ સિંધીને આપ્યા હતા, જોકે રોજેરોજ રમુ સિંધીની દાદાગીરી વધી જતાં અંતે હિતેશે સરદારનગર પોલીસ સ્ટેશનમાં રમુ સિંધી વિરુદ્ધમાં ખંડણી માગવાની તેમજ ધાકધમકી આપવાની ફરિયાદ દાખલ કરાવી હતી. આ મુદ્દે સરદારનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી. જે. ખરસાણે જણાવ્યું છે કે રમુ સિંધીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે હિતેશ પાસેથી પ્રોટેકશન મની પેટે 50 હજાર રૂપિયા માગ્યા હતા. સરદારનગર વિસ્તારમાં પોતાની ઇમેજ ભાઇની ઊભી કરવા માટે તેને કૃત્ય કર્યું છે.

You might also like