પ્રોપર્ટી ટેક્સના કૌભાંડી કર્મચારીઅો સામે ખાતાકીય તપાસનાં ચક્ર ગતિમાન

અમદાવાદ: કોર્પોરેશનના સૌથી ભ્રષ્ટ વિભાગો પૈકીના એક ટેક્સ વિભાગના તાજેતરના રૂ. ૫૫.૭૨ લાખનાં કૌભાંડથી ખળભળાટ મચી ગયો છે. અા કૌભાંડમાં દોષનો ટોપલો ટેક્સ વિભાગના કેટલાક કર્મચારીઅોઅે ટીસીઅેસ કંપની અને સિવિક સેન્ટરોના સ્ટાફ પર ઢોળ્યો છે. પરંતુ મ્યુનિ. તંત્રમાં ઉચ્ચસ્તરેથી અાગામી ૩૧ માર્ચ, ૨૦૧૬ પછી ટેક્સ વિભાગમાં મોટાપાયે સાફસૂફી કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે. જવાબદાર કર્મચારીઅો સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરાશે.

મ્યુનિ. કમિશનર ડી. થારા અાગળ ટેક્સના સો જેટલા કર્મચારીઅોઅે જે પ્રકારે પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો છે તેનાથી ખુદ કમિશનર સંતુષ્ટ નથી. જે અાઠ કર્મચારીઅો સામે તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ છે તે પાછી નહીં ખેંચાય.  અત્યારે માર્ચ એન્ડિંગ ચાલે છે એટલે જો ટેક્સ વિભાગના ‘ચિપકુ’ કર્મચારીઅોમાં સાફસૂફી થાય તો તેની સીધી અસર ટેક્સની વસૂલાતમાં પડે તેમ છે. જેના કારણે ઉચ્ચ અધિકારીઅો સમગ્ર મામલે માર્ચ એન્ડિંગ બાદ અાગળ ધપશે. તા. ૩૧ માર્ચ ૨૦૧૬ પછી ટેક્સ વિભાગમાં ધડમૂળથી ફેરફાર કરશે. ટેક્સ વિભાગમાં એજન્ટોની કનડગત વધી છે. અારટીઅોની જેમ ટેક્સ વિભાગમાં એજન્ટોની બોલબાલા હોઈ નાગરિકોને ડગલેને પગલે હેરાન થવું પડે છે. જેના કારણે સ્થાપિત હિતો જેવા કર્મચારીઅો-અધિકારીઅોને અન્ય વિભાગમાં ખસેડવાનો િનર્ણય લેવાઈ
ગયો છે.

You might also like