પ્રોપર્ટી ટેક્સની વસૂલાતમાં તંત્ર હાંફી ગયુંઃ હજુ લક્ષ્યાંકથી દૂર

અમદાવાદ: હાલમાં ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭ના માર્ચ એન્ડિંગના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. આ સમયગાળામાં મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રોપર્ટી ટેકસની ઉલ્લેખનીય આવક થવી જોઇએ. કોર્પોરેશનની આવકનો એકમાત્ર સ્રોત પ્રોપર્ટી ટેકસ હોઇ તંત્ર માટે ટેક્સની આવક જરૂરી પણ બની છે. તેમ છતાં આમાં આઘાતજનક બાબત એ છે કે સત્તાવાળાઓને પ્રોપર્ટી ટેક્સની વસૂલાતમાં રીતસરનો નાકે દમ આવ્યો છે.

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સત્તાવાળાઓએ બજેટમાં દર્શાવાતા આવકના આભાસી લક્ષ્યાંકમાં ઘટાડો કરીને રૂ.૮પ૦ કરોડનો નક્કી કર્યો છે. તેમ છતાં આ સુધારિત લક્ષ્યાંક પણ સત્તાવાળાઓ મેળવવામાં નિષ્ફળ નીવડ્યા છે.
તંત્ર દ્વારા લાખો રૂપિયાના કોમર્શિયલ મિલકતોના ડિફોલ્ટરોની યાદી જાહેરમાં પ્રસિદ્ધ કરાતી નથી. આવા ડિફોલ્ટરોની મિલકતોને સીલ કરવાના મામલે પણ તંત્ર ‘વહાલા-દવલા’ની નીતિ અપનાવે છે. કમિશનર મૂકેશકુમાર દ્વારા ડિફોલ્ટરોની મિલકતનાં પાણી-ગટરનાં કનેકશન કાપવાની કડક તાકીદ કરાઇ હોવા છતાં જે તે ઝોનના ડેપ્યુટી કમિશનર હજુ પણ પૂરતા એકશનમાં આવ્યા નથી. રેસિડેન્શિયલ મિલકતોના મોટા ડિફોલ્ટરો પ્રત્યે તો તંત્રની કૂણી લાગણી જગજાહેર છે. ફકત દેખાવ પૂરતી લાલ નોટિસની બજવણી થઇ રહી છે.

જે તે ઝોનના ડેપ્યુટી કમિશનરની ડિફોલ્ટરો ઉપર ધાકના અભાવે ગત તા.૧૮ માર્ચ, ર૦૧૭ સુધીમાં તંત્રને ફકત રૂ.૭૬૬ કરોડની આવક થઇ છે. ચાલુ માર્ચ મહિનાના તો છેલ્લા દિવસો હોવા છતાં મ્યુનિસિપલ તિજોરીમાં ફકત રૂ.૩૬ કરોડ ઠલવાયા છે એટલે કે દરરોજની ફકત અને ફકત સરેરાશ રૂ.બે કરોડની આવક થઇ રહી છે. ડિફોલ્ટરોને આકર્ષવા માટેની ટેકસ રિબેટ યોજના આગામી તા.૩૧ માર્ચ, ર૦૧૭ સુધી અમલમાં હોવા છતાં કોર્પોરેશનની પ્રોપર્ટી ટેકસ આવકમાં એક પ્રકારે ધબડકો જ થયો છે. ગત નાણાકીય વર્ષ ર૦૧પ-૧૬ના છેલ્લા મહિનાઓ ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીની ક્રમશઃ આવક રૂ.૮૧.રર કરોડ, રૂ.પ૭.૧૧ કરોડ અને રૂ.૭૩.૭પ કરોડની તુલનામાં પણ ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭માં ક્રમશઃ આવક રૂ.૪૧.૬પ કરોડ, રૂ.૩૩.રપ કરોડ, રૂ.પ૭.૪૪ કરોડ થતાં આવક વધવાના બદલે ઘટી છે. દરમિયાન તંત્ર દ્વારા આગામી તા.રપ, ર૬ અને ર૮ માર્ચની રજાના દિવસોમાં પણ તમામ સિવિક સેન્ટર સવારના ૧૦-૩૦થી પ-૩૦ વાગ્યા સુધી અને ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭ના છેલ્લા દિવસેે એટલે કે તા.૩૧ માર્ચે રાતના ૧ર-૦૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે તેવી જાહેરાત કરાઇ છે. તેમ છતાં બાકીના ૧૧ દિવસમાં તંત્રને લક્ષ્યાંક મેળવવા રૂ.૮૩ કરોડની આવક મેળવવી પડશે જે અશકય બાબત બની રહેવાની છે.

http://sambhaavnews.com/

You might also like