પ્રોપર્ટી ટેક્સમાં માત્ર ૫.૫૪ ટકા પેમેન્ટ ઓનલાઈન!

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ સ્વચ્છતા મોબાઇલ એપને ડાઉનલોડ કરવા નાગરિકોને કીમતી મોબાઇલ ફોનની ભેટ આપવા સહિત અનેક પ્રકારે પ્રોત્સાહિત કરાય છે. સ્વચ્છતા મોબાઇલ એપના ઉપયોગથી લોકોને માહિતગાર કરવા બોડકદેવના ઓડિટોરિયમ ખાતે વ્યાખ્યાન સહિતના વિવિધ કાર્યક્રમ યોજાય છે. શહેરના મેયર સ્વયં સ્વચ્છતા મોબાઇલ એપનો વ્યાપ વધારવા સક્રિય રસ દાખવે છે, પરંતુ ‘ડિજિટલ પેમેન્ટ’નાં ફક્ત ગાણાં ગવાતાં હોઇ પ્રોપર્ટી ટેકસના કરદાતાઓ ‘ઓનલાઇન પેમેન્ટ’ના મામલે આજે પણ ઉદાસીન છે. કોર્પોરેશનમાં પ્રામાણિક કરદાતાઓ જે તે નાણાકીય વર્ષનો પ્રોપર્ટી ટેક્સ અગાઉથી ભરપાઇ કરે તો ટેક્સની રકમમાં દસ ટકા છૂટ આપવાની યોજના ચાલે છે. જે પ્રત્યેક નવા નાણાકીય વર્ષના એપ્રિલ મહિનામાં અમલમાં મુકાય છે, પરંતુ પ્રોપર્ટી ટેક્સનું ‘ઓનલાઇન પેમેન્ટ’ કરનારાને કોઇ પ્રોત્સાહન અપાતું નથી. પરિણામે કોર્પોરેશનની કુલ પ્રોપર્ટી ટેકસ આવકમાં ઓનલાઇન પેમેન્ટથી મળતી આવકનું પ્રમાણ નહીંવત્ છે.

ચાલુ નાણાકીય વર્ષના ‘ઓનલાઇન પેમેન્ટ’ના સત્તાવાર આંકડા જોઇએ તો ગત તા.૧ અ‌ેપ્રિલ, ર૦૧૬થી તા.૧૩ ફેબ્રુ., ર૦૧૭ સુધીમાં તંત્રને ઓનલાઇન પેમેન્ટથી કુલ ટેક્સ આવકના માંડ પ.પ૪ ટકા આવક થઇ છે. આ સમયગાળામાં મ્યુનિસિપલ તિજોરીમાં કુલ રૂ.૬૧૭.૩૭ કરોડ ઠલવાયા હતા, જે પૈકી ઓનલાઇન પેમેન્ટથી તંત્રને ફક્ત રૂ.૩૪.રર કરોડની આવક થઇ હતી. ડિજિટલ પેમેન્ટની વાતોની વચ્ચે ૬૩,૪૦ર કરદાતાઓએ ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું.

અમદાવાદને ‘સ્માર્ટ સિટી’ બનાવવાની ચાહત રાખનારા સત્તાધીશો માટે પણ આ સમાચાર સારા છે તો નથી જ કે અમદાવાદીઓ પ્રોપર્ટી ટેક્સની ચુકવણી ઘરે કે ઓફિસમાં બેઠાં બેઠાં ‘ઓનલાઇન’ કરવામાં હજુ ‘સ્માર્ટ’ બન્યા નથી.

You might also like