પ્રોપર્ટી ટેક્સનાં રહેણાકનાં બિલોનું વિતરણ ટલ્લે ચડ્યું

અમદાવાદ: ઓક્ટ્રોયની આવક બંધ થયા બાદ કોર્પોરેશનનો નાણાં રળી આપનાર એકમાત્ર કમાઉ દીકરો પ્રોપર્ટી ટેક્સ વિભાગ રહ્યો છે. પ્રોપર્ટી ટેક્સની આવકથી તંત્રના નાગરિકોને પ્રાથમિક સુખાકારીનાં કામો આગળ ધપી શકે છે. કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પણ સત્તાધીશો પ્રોપર્ટી ટેક્સની આવકના જોર ઉપર જ અમલમાં મૂકે છે. તેમ છતાં કમનસીબ બાબત એ છે કે પ્રોપર્ટી ટેક્સ વિભાગ પ્રત્યે દુર્લક્ષ સેવાય છે. આ તો ઠીક, પ્રોપર્ટી ટેક્સનાં રહેણાકનાં બિલોનું વિતરણ સુધ્ધાં અસહ્ય વિલંબમાં મુકાયું છે.

મ્યુનિ. કોર્પોરેશનના બજેટમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં પ્રોપર્ટી ટેક્સની આવક પેટે રૂ.૯૦૦ કરોડનો લક્ષ્યાંક રખાયો છે, પરંતુ સત્તાવાળાઓ લક્ષ્યાંકમાં પીછેહઠ કરીને રૂ.૮૪૦ કે રૂ.૮૫૦ કરોડની આવક કરશે તેમાં કોઈ શંકાને સ્થાન પણ નથી! આ વખતે ડેપ્યુટી કમિશનર અને આસિ. કમિશનર સ્તરેથી પ્રોપર્ટી ટેક્સનાં રહેણાકનાં બિલમાં ‘કુરિયર કંપની’નો સહયોગ લેવાનું વિચારણા હેઠળ છે. જેનો ટેક્સ વિભાગમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આમાં કમિશન-કટકીની પણ ચર્ચા ઊઠી છે. તેમ છતાં કુરિયરમાં આગળ ધપવા ઉચ્ચ અધિકારીઓએ મન બનાવી લીધું છે, પરંતુ હજુ સુધી અગમ્ય કારણસર કોઈ કુરિયર કંપની જ નક્કી નથી થઈ શકી, કેમ કે આ માટેનાં ટેન્ડર જ બહાર પડ્યાં નથી! બીજી તરફ રહેણાકનાં બિલ છપાઈને ધૂળ ખાતાં પડી રહ્યાં છે.

પ્રોપર્ટી ટેક્સનાં કુલ ૧૮.૫૦ લાખ બિલ હોઈ તેમાંથી ૪.૫૦ લાખ બિનરહેણાક મિલકતોનાં બિલ છે, જ્યારે ૧૪ લાખ જેટલાં રહેણાક મિલકતોનાં બિલ છે. બિનરહેણાક મિલકતોનાં આશરે ૬૦થી ૭૦ ટકા બિલ વહેંચાયાં છે, જ્યારે રહેણાકનાં બિલોનું વિતરણ કુરિયરનું કોકડું ન ઉકેલાતાં અટકી પડ્યું છે, જોકે મધ્ય ઝોનમાં ૧૨થી ૧૩ હજાર અને પશ્ચિમ ઝોનમાં બેથી ત્રણ હજાર રહેણાકનાં િબલ વહેંચવાની તંત્રને ફરજ પડી છે.

સાધારણ રીતે ઓગસ્ટના અંત સુધીમાં રહેણાકનાં બિલનું વિતરણ પણ શરૂ થઈ જતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે આ વિતરણ એક મહિનો તો વિલંબમાં મુકાઈ જ ગયું છે. હજુ કુરિયર કંપની નક્કી કરવામાં સહેજે વીસથી પચીસ દિવસ નીકળી જશે. આ અંગે ટેક્સનો હવાલો સંભાળતા આસિ. કમિશનર પરાગ શાહ કે ડેપ્યુટી કમિશનર કે. એલ. બચાણી ફોન ઉપાડવાની તસ્દી લેતા નથી.

You might also like