પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ‘ડમી’ કર્મચારી!

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી ભ્રષ્ટ વિભાગોમાં પ્રોપર્ટી ટેક્સ વિભાગની ગણના થાય છે. એક તો પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ચાલીસ ટકા સ્ટાફની અછત છે અને તંત્રની સઘળી ઝોનલ ઓફિસ અને મોટાભાગની વોર્ડ ઓફિસમાં એજન્ટ છવાયેલા છે. જે મ્યુનિસિપલ તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડીને પણ કરચોરોનું સેટિંગ કરી આપે છે. આ બાબતથી ટેક્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સારી રીતે વાકેફ હોવા છતાં અગમ્ય કારણસર આંખ આડા કાન કરે છે. પરિણામે ટેક્સ વિભાગમાં સડો એટલી હદે ફેલાયો છે કે ‘ડમી’ કર્મચારીઓ ‘વહીવટ’ કરી રહ્યા છે. આમ તો પ્રોપર્ટી ટેક્સ વિભાગને અમદાવાદ કૂદકે અને ભૂસકે વિકાસ પામતું જતું હોવા છતાં ટેક્સ આવકનો લક્ષ્યાંક મેળવવામાં ફાંફા પડે છે. છેલ્લાં સાત-આઠ વર્ષથી જે તે સમયના કમિશનરને આવકના લક્ષ્યાંકમાં ખાસ્સો એવો ઘટાડો કરવો જ પડ્યો છે. ટેક્સ વિભાગમાં ફુલેલા-ફાલેલા ભ્રષ્ટાચારના કારણે મ્યુનિસિપલ તિજોરી નિર્ધારિત આવકથી છલકાતી નથી.

હવે દક્ષિણ ઝોનનું જ ઉદાહરણ લો. આ ઝોનના પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં પોતાના નવા ઘરની આકારણીની તપાસ કરવા ગયેલા એક નાગરિકને તંત્રનો કડવો અનુભવ થયો હતો. એક તો તેમના વોર્ડના ઈન્સ્પેક્ટર ધવલ શાહ બેઠક પરથી ગાયબ હતા અને તેમની જગ્યાએ એક ‘ડમી’ કર્મચારી ફરજ બજાવતા હતા.

મહેશભાઈ નામના આ ડમી કર્મચારી રૂઆબભેર કરદાતાના દસ્તાવેજ તપાસતા હતા. તેમણે નવા ઘરની આકારણી બાબતે તપાસ કરવા આવેલા નાગરિકના પુરાવા તપાસ્યા બાદ ઉદ્ધાતાઈથી તેમના નવા ઘરની આકારણી નહીં થાય તેમ સુણાવ્યું. ફક્ત આટલું કહીને ડમી કર્મચારી અટકયા નહીં પરંતુ તેમણે નફટ્ટાઇથી એમ પણ કહ્યું કે, તમારા વિસ્તારમાં ચાર પાંચ વર્ષ જૂની મિલકતોની પણ આકારણી થઈ થઈ નથી તો તમે તમારા નવા ઘરની આકારણીની શું કામ માથાકુટ કરો છે!

આમાં આઘાતજનક બાબત એ હતી કે ધવલ શાહની જગ્યાએ વોર્ડ ઈન્સ્પેક્ટરનો વહીવટ સંભાળતા મહેશભાઈ છ વર્ષ પહેલાં નિવૃત્ત થઈ ચૂક્યા છે. જોકે ‘ડમી’ કર્મચારીની દક્ષિણ ઝોનના પ્રોપર્ટી ટેક્સ વિભાગના વડા પ્રશાંત વોરા સુધી ફરિયાદ કરાઈ છે. આ અંગે પ્રશાંત વોરાને પૂછતા તેઓ કહે છે, વોર્ડ ઈન્સ્પેક્ટર ધવલ શાહને શો કોઝ નોટિસ ફટકારવાની સંબંધિત અધિકારીને સૂચના અપાઈ છે.

દક્ષિણ ઝોનમાં મહેશભાઈ ઉપરાંત તેના જેવા અન્ય નિવૃત્ત કર્મચારીઓ વોર્ડ ઈન્સ્પેક્ટરની ફરજ બજાવે છે અને વોર્ડ ઈન્સ્પેક્ટર ચાલુ નોકરીએ અન્ય કામકાજ સંભાળતા હોય છે તેવી વ્યાપક ફરિયાદ ઊઠી છે.

http://sambhaavnews.com/

You might also like