પ્રોપર્ટી ટેક્સના મોટા ડિફોલ્ટરોને ‘નેમ એન્ડ શેમ’ કરાશે?

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનની આવકના એકમાત્ર સ્રોત સમાન પ્રોપર્ટી ટેક્સમાં તંત્રના ઢીલા વલણના કારણે કરચારોને જલસા થઈ રહ્યા છે. સત્તાવાળાઓની સીલિંગ ઝુંબેશમાં માંડ પાંચ હજારનો ટેક્સ બાકી હોય તેવા કરચોરોની મંદીના સમયમાં પણ દુકાનો-ઓફિસને સીલ કરાય છે પરંતુ હજારો-લાખોનો ટેક્સ ન ભરનારાઓ આબાદ છટકી જાય છે પરંતુ હવેથી સત્તાધીશો મોટા ડિફોલ્ટરો સામે ‘નેમ એન્ડ શેમ’ની આક્રમક પોલિસી અપનાવશે.

પ્રોપર્ટી ટેક્સની વસૂલાતની તંત્રની કામગીરી નકલી પુરવાર થઈ રહી છે. ટેક્સ ખાતામાં જરૂરિયાત કરતાં ૩૦ ટકા સ્ટાફ ઓછો હોવાથી પણ ટેક્સ વસૂલાતની કામગીરી અસરકારક તેમજ નિયમિત રીતે થતી નથી. આ ઉપરાંત શાસકો દ્વારા જાહેર કરાતી રિબેટ યોજનાથી પણ કરચારોને પ્રોત્સાહન મળે છે.

આમ તો ખુદ કમિશનર ડી. થારા કરચોરોને પ્રોત્સાહિત કરતી રિબેટ યોજનાની વિરુદ્ધમાં છે પરંતુ શાસકપક્ષ સ્ટેન્ડિંગ કમિટીમાં રિબેtટ યોજનાની દરખાસ્ત દબાણપૂર્વક મુકાવીને પોતાનું ધાર્યું કરતો આવ્યો છે. અનેક વાર કોર્પોરેટરોના દબાણથી પણ જે તે પ્રોપર્ટીના સીલ ખોલી દેવાની ટેક્સ વિભાગને ફરજ પડે છે. આ પ્રકારની રીતરસમથી સ્વાભાવિકપણે પ્રોપર્ટી ટેક્સનો લક્ષ્યાંક મેળવી શકાતો નથી. પરિણામે ઓછી પ્રોપર્ટી ટેક્સ આવકથી શહેરના પ્રાથમિક કામોને પણ માઠી અસર પડે છે.

જૂની અાકારણીના પ્રોપર્ટી ટેક્સની આશરે રૂ.૧૫૦૦ કરોડની આવક મેળવાના તો ઠેકાણાં પડે તેમ નથી. પરંતુ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬નો પ્રોપર્ટી ટેક્સનો રૂ.૧૦૪૦ કરોડનો રિવાઈઝડ અંદાજ મેળવવાના પણ ટેક્સ વિભાગને ફાંફાં પડ્યા છે!

કમિશનર ડી. થારાએ ડિફોલ્ટરો પર તંત્રની ધાક બેસાડવા ‘નમ એન્ડ શેમ’ની કડક નીતિ અપનાવવાની સૂચના ટેક્સ વિભાગને આપી દીધી છે. ટેક્સનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનર બચાણી કહે છે, તમામ ઝોનના ટેક્સ એસેસરને મોટા ડિફોલ્ટરોની યાદી તૈયાર કરીને તેના આધારે બાકી ટેક્સ ભરપાઈની નોટિસ ફટકારવાની સૂચના અપાઈ છે. તેમ છતાં પણ જો મોટા ડિફોલ્ટરો ટેકસની રકમ ભરવા આગળ ન આવે તો તેમના નામને ૧૫ માર્ચ પછી પહેલાં મીડિયામાં અને બાદમાં કોર્પો.ની વેબસાઈમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. અલબત્ત, મોટા ડિફોલ્ટરોના નામ હોર્ડિંગ્સમાં પ્રસિદ્ધ કરવા કે કેમ તે જે તે ઝોનના ટેક્સ ઓફિસર નક્કી કરશે.”

You might also like