કરદાતાને નવા સીમાંકન મુજબ પ્રોપર્ટી ટેકસનાં બિલ મળશે

અમદાવાદ: શહેરના નવા સીમાંકન મુજબ કોર્પોરેશનમાં ૪૮ વહીવટી વોર્ડ અને ૧૯ર કોર્પોરેટરોની સંખ્યા થવા છતાં પણ ગત નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭ના પ્રોપર્ટી ટેક્સનાં બિલ જે તે નાગરિકને જૂના સીમાંકન મુજબનાં અપાતાં હતાં, જેના કારણે અનેક કરદાતાઓ ભારે મૂંઝવણમાં મુકાઇને તંત્રની ઓફિસમાં દોડી જતા હતા, જોકે હવે ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮થી આવા કરદાતાઓને મુંઝાવું નહીં પડે, કેમ કે ટેક્સ વિભાગ દ્વારા નવા સીમાંકન મુજબના પ્રોપર્ટી ટેક્સ બિલનું વિતરણ કરવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે.

કોર્પોરેશનની છેલ્લી ઓક્ટોબર-ર૦૧પની ચૂંટણી પણ નવા સીમાંકન પ્રમાણે યોજાઇ હતી તેમજ વોર્ડદીઠ ત્રણ કોર્પોરેટરની પેનલના બદલે ચાર કોર્પોરેટરની પેનલની નવી વ્યવસ્થા ગોઠવાઇ હતી, જોકે વહીવટી વોર્ડની સંખ્યા ૬૪ના બદલે ઘટાડીને ૪૮ની કરાતાં કોર્પોરેટરોની કુલ ૧૯રની સંખ્યા જળવાઇ રહી હતી.

પરંતુ નવા સીમાંકનથી મકતમપુરા જેવા નવા વોર્ડ અસ્તિત્વમાં આવ્યા હતા તો અસારવા ઉત્તર ઝોનના બદલે મધ્ય ઝોનમાં અને રાણીપ નવા પશ્ચિમ ઝોનના બદલે પશ્ચિમ ઝોનમાં સમાવેશ પામ્યું હતું. આવા વહીવટી વોર્ડના ફેરફારથી તંત્રના ટેક્સ વોર્ડ પણ બદલાયા હતા. રાણીપની અાશરે ૩૦,૦૦૦ મિલકત તેમજ અસારવાની ૧પ,૦૦૦ મિલકત સહિત શહેરભરની આશરે ૬૦,૦૦૦થી વધુ મિલકત પ્રભાવિત થઇ હતી.

આ મિલકતોનો ગત નાણાકીય વર્ષ દરમ્યાન સત્તાવાળાઓએ નવા વહીવટી અને ટેક્સ વોર્ડ મુજબ સમાવેશ કરવાની કવાયત હાથ ધરી હતી, જેમાં અસારવાની અમુક મિલકતો સિવાયની અન્ય મિલકતોમાં આવશ્યક ફેરફાર થઇ ગયા છે, જેના કારણે આગામી જૂન મહિનાથી વિતરિત થનારા ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮નાં પ્રોપર્ટી ટેક્સ બિલ વર્તમાન વોર્ડ મુજબ અપાશે. આનાથી ગત નાણાકીય વર્ષે જે પ્રકારે કરદાતાઓમાં દોડધામ થઇ હતી તેવી ચાલુ નાણાકીય વર્ષે નહીં થાય. અલબત્ત, ગત નાણાકીય વર્ષમાં બિલની રકમમાં કોઇ ફેરફાર થયો ન હતો.

દરમ્યાન ગત તા.૧૦ એપ્રિલથી અમલમાં મુકાયેલી એડ્વાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના હેઠળ તંત્રને ગઇ કાલ સુધી રૂ.૯.૪ર કરોડની આવક થઇ હતી. ગત નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭માં તંત્રને રૂ.ર૩૮ કરોડથી વધુની આવક આ યોજના થકી થઇ હતી, જ્યારે હવે ર૦૧૭-૧૮માં રૂ.રપ૦ કરોડની આવકનો લક્ષ્યાંક રખાયો છે. આ યોજના હેઠળ પ્રામાણિક કરદાતાઓ પોતાનો ટેક્સ ચૂકવી શકે તે માટે આગામી શનિ, રવિ તા.ર૮મીની પરશુરામજયંતી અને તા.૩૦મીના છેલ્લા રવિવારે શહેરનાં તમામ સિવિક સેન્ટર ખુલ્લાં રખાશે.
http://sambhaavnews.com/

You might also like