પ્રોપર્ટી ટેક્સ જમા કરાવ્યા પછી પણ વ્યાજનું મીટર ફરે છે!

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓએ ગત તા. ૧ એપ્રિલ, ૨૦૧૫થી ઈ-ગવર્નન્સને રૂ. ૩૬ કરોડની જંગી રકમનાે કોન્ટ્રાક્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (ટીસીએસ)ને આપ્યો છે, પરંતુ આ ટીસીએસ કંપનીની સાવ વાહિયાત પ્રકારની કામગીરીથી ખુદ તંત્ર કંટાળી ગયું છે. કોર્પોરેશનના મોટા ભાગના વિભાગોમાં ટીસીએસની ‘ટોટલ કમ્પ્લેન્ટ સર્વિસ’ એટલે કે ‘કાયમી ફરિયાદ સેવા’ જેવી શરમજનક ઓળખ થઈ છે.

અત્યારે માર્ચ એન્ડિંગ હોઈ મ્યુનિ. તિજોરી માટે પ્રોપર્ટી ટેક્સની આવક મેળવવાના િદવસો છે. આ સમયગાળામાં કોર્પોરેશનને દરરોજની ચારથી પાંચ કરોડની આવક થવી જ જોઈએ. કરદાતાઓ પણ ટેક્સ રિબેટ યોજનાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ઊમટી રહ્યા છે તેમ છતાં કરદાતાઓના કમનસીબે ટીસીએસ કંપનીના લોચાઓ હજુ પણ યથાવત્ જ છે.

આજે પણ કરદાતાઓના ટેક્સબિલ પરની જમા રાશિ પર ચઢત વ્યાજનું મીટર ફરે છે. જેના કારણે કરદાતાઓ હેબતાઈ જઈને ટેક્સ વિભાગ પાસે ફરિયાદ કરવા દોડે છે. કરદાતાઓના ટેક્સિબલ ભરપાઈ થયા બાદ પણ કમ્પ્યૂટર સ્ક્રીન પર ‘નો પેઈડ ડિટેલ્સ’ જેવી નોંધ કરદાતાઓના ગભરાટમાં વધારો કરે છે.

ઈ-ગવર્નન્સમાં અગાઉ માઈકોટેક કંપની પાસે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો. માઈક્રોટેક કંપનીના છબરડાઓથી ત્રાસેલા સત્તાધીશોએ નવી ટીસીએસ કંપનીને ઈ-ગવર્નન્સની કામગીરી સોંપી છે. તા. ૧ એપ્રિલ ૨૦૧૬એ ટીસીએસ કંપનીના કોન્ટ્રાક્ટને એક વર્ષ પૂર્ણ થવા આવશે તેમ છતાં કંપનીની કામગીરી સંતોષજનક રહી નથી.

ટીસીએસ કંપનીનું ‘ટેક્સ મોડ્યુલ’ હજુ સુધી પૂરેપૂરું સફળ નિવડ્યું નથી. એક વર્ષના સમયગાળા બાદ પણ ટીસીએસના ‘ટેક્સ મોડ્યુલ’થી ટેક્સ વિભાગનો સ્ટાફ તો પરેશાન છે, પરંતુ ખુદ કમિશનર ડી. થારા પણ ખફા થયા છે. કોર્પોરેશન દ્વારા ટીસીએસ કંપનીને તેની કામગીરી અસરકારક બનાવવા છેલ્લા એક વર્ષમાં ત્રણથી ચાર વખત નોટિસ ફટકારાઈ છે. છેલ્લા વીસ િદવસમાં બે-બે વખત નોટિસની બજાવણી કરવી પડી છે. તાજેતરમાં કમિશનર ડી. થારાએ ટીવીએસ કંપનીના સંચાલકોને રૂબરૂ બોલાવીને ખખડાવી નાખ્યા હતા.

ઈ-ગવર્નસનો હવાલો સંભાળતા ડેય્પુટી કમિશનર કે.એલ. બચાણી કહે છે, ‘ટીસીએસ કંપનીને છેલ્લે પંદર દિવસ પહેલાં ઈ-ગવર્નન્સની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે નોટિસ અપાઈ છે. ઈ-ગવર્નન્સની કામગીરી સંભાળ્યે ટીસીએસને હવે એક વર્ષ થવા આવશે તેમ છતાં કંપનીની કામગીરી તંત્રને સો ટકા સંતોષ અપાવી શકી નથી. તે બાબત નકારી નહીં શકાય એટલે જ કંપનીની કામગીરી સુધારવાની તાકીદ કરાઈ છે.”

You might also like