ફલેટ કે પ્રોપર્ટી ખરીદો અને બ્લેક મનીમાંથી છૂટકારો મેળવો

અમદાવાદ: રૂ.પ૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ રદ થતાની સાથે જ રિયલ એસ્ટેટના વ્યવસાયમાં કડાકો બોલ્યાની વાત ભલે ચર્ચાઇ રહી હોય પરંતુ કેટલાય લોકોએ પ૦૦ અને હજારની નોટોના રૂપમાં બ્લેકમની આપીને બિલ્ડરો પાસે ઓફિસ, દુકાન કે ફલેટનું બુકિંગ કરાવી લીધું છે.

જમીન મકાનની લે-વેચ પ્રક્રિયામાં ભલે સીધી અસર દસ્તાવેજોની નોંધણીમાં થઇ હોય પરંતુ જેમની પાસે પ૦૦-૧૦૦૦ની ચલણી નોટો હતી તેના નિકાલ માટે તેમણે શ્રેષ્ઠ રસ્તો કે વિકલ્પ મિલકત નોંધાવીને મેળવી લીધો હતો. કેટલાક બિલ્ડર્સ કે જેઓ એક કરતાં વધુ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમણે જવેલર્સની માફક તેમના જૂના રોકાણકારોને જૂની નોટોના બદલામાં બુકિંગ આપી નજીક રકમના ચેક સાથે બુકિંગ કરી આપ્યું હતું.

સામાન્ય રીતે કોઇપણ મિલકત ખરીદીમાં પેમેન્ટ માટે ૬૦-૪૦નો બ્લેક અને વ્હાઇટ મનીનો રેશિયો અપનાવાય છે. ૬૦ ટકા કેશ બ્લેકમની અને ૪૦ ટકા અથવા જંત્રી મુજબની રકમ વ્હાઇટની ચેક મુજબ ચુકવણી થતી હોય છે. આ ત્રણ દિવસ દરમ્યાન બિલ્ડરોએ ફલેટ સહિત પ્રોપર્ટીની રકમ ૨૦થી ૩૦ ટકા વધારી દીધી છે. હવે જ્યારે મિલકત કાયદેસર રીતે દસ્તાવેજથી રજિસ્ટર થશે ત્યારે લોન કે અન્ય માધ્યમ દ્વારા ચોપડે ચઢશે.

ખરીદનારે ૩૦ ટકા ભાવ વધારો આપીને બ્લેક મનીનો નિકાલ થયોના છુટકારો મેળવ્યો હતો જ્યારે નહીં વેચાતી પડી રહેલી મિલકતો બિલ્ડરો ૩૦થી ૩પ ટકા ભાવ વધારો લઇ કાળું નાણું સ્વીકારીને રોકડી કરવા ઉપરાંત ધંધો-વેપાર સેફ કરી લીધો હતો. અમદાવાદ રિયલ્ટર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ પ્રવીણભાઇ બવાડિયાએ કહ્યું હતું કે શહેરભરમાં છેલ્લા બેથી ત્રણ દિવસ દરમ્યાન ર૦૦થી ૩૦૦ કરોડના એસ્ટેટના સોદા થયા છે. પ્રોપર્ટીના રપ થી ૩૦ ટકા ભાવ વધારા સાથે ડેવલપરોએ જૂની નોટોનો સ્વીકાર કર્યો હતો જે મિલકતો વેચાઇ નહોતી કે ડિસ્કાઉન્ટેડ હતી તે ઊંચા ભાવે વેચાઇ ગઇ છે.

કાળાં નાણાંને સફેદ કરવા અત્યારે ૧૦થી ૩૦ ટકા કમિશન કે વટાવનો ભાવ ચાલે છે. નાણાંના વ્યવહારોનાં નિયંત્રણના પગલે સર્જાયેલા અફરાતફરીના માહોલમાં પ૦૦ અને ૧૦૦૦ની નોટોને વ્હાઇટ કરવા માટે ગ્રે માર્કેટ ધમધમી રહ્યું છે. ગામડાઓનાં ખેડૂતોનાં એકાઉન્ટમાં પૈસા ડિપોઝિટ કરીને શહેરના મોટા વેપારીઓ બિલ્ડર લોબી, અને બે નંબરી આવક ધરાવતા લોકો લાગતા વળગતા સબંધીઓ અને ખેડૂતોને મનાવી રહ્યા છે.

લોકોને કાળાં નાણાં સામે પ્રોપર્ટી મળે તો તેને તે સૌથી સલામત રસ્તો લાગે છે. તેવી જ રીતે ગોલ્ડ ખરીદીને પણ કેટલાય લોકોએ ચેનની ઊંઘ લીધી છે. બિલ્ડરો વેપારીઓ ગામડાના ખેડૂતો દૂધ મંડળી, સહકારી મંડળીઓમાં વચેટિયા દ્વારા ખાતામાં સત્તાવાર પૈસા જમા કરાવે છે ખેડૂતોને આવક પર ટેક્સ ભરવો પડતો નહોઇને જ્યારે આ નાણાં પરત આવશે ત્યારે કમિશન બાદ કરીને રોકડ કરી લેવાશે.

You might also like