ટેરર ફંડિંગ: ગિલાનીના જમાઈ સહિત 11 હુર્રિયત નેતાની સંપત્તિ જપ્ત થશે

(એજન્સી) નવી દિલ્હી: ટેરર ફંડિંગ મામલે મોટી કાર્યવાહી કરતાં કેન્દ્ર સરકારે હુર્રિયત નેતાઓની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. લશ્કર-એ-તોઈબાના આકા હાફિઝ સઈદના પૈસાથી બનાવવામાં આવેલી હુર્રિયતના નેતાઓની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવશે. ટેરર ફંડિંગ કેસમાં સામેલ હુર્રિયતના ૧૧ નેતાઓ સરકારના નિશાન પર છે. આ નેતાઓ પર આતંકના ફંડિંગ દ્વારા કરોડો રૂપિયાની પ્રોપર્ટી ઊભી કરવાનો ગંભીર આરોપ છે, તેમાં હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીના જમાઈનું નામ પણ સામેલ છે.

લશ્કરના ચીફ હાફિઝ સઈદના પૈસાથી ખરીદવામાં આવેલી-બનાવાયેલી હુર્રિયત નેતાઓની સંપત્તિ પર હવે કેન્દ્ર સરકાર સકંજો કસવા જઈ રહી છે. આ કેસમાં સંડોવાયેલા તમામ હુર્રિયત નેતાઓની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવશે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને પાકિસ્તાન હાઈકમિશન દિલ્હીના અધિકારીઓ દ્વારા દુબઈથી હવાલા ફંડિંગના માધ્યમથી આતંકનું ફંડ આપવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ થયો છે.

સૈયદ અલી શાહ ગિલાનીના જમાઈ અલ્તાફ ફંટુશ, નઈમ અહમદ ખાન, ફારુક અહમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે, શહીદુલ ઈસ્લામ, પાકિસ્તાન સ્થિત હિઝબુલનો ચીફ સૈયદ સલાઉદ્દીન, અકબર ખંડી, રાજા મેહરાજુદ્દીન, પીર સૈફુલ્લા, ઝહુર અહમદ વતાલી સહિતના ૧૧ અલગતાવાદી નેતાઓની સંપત્તિ હવે જપ્ત કરવામાં આવશે.

સૈયદ અલી શાહ ગિલાનીના જમાઈની હાઉસ નંબર-૧૧૯ એચઆઈજી ગ્રીનપાર્ક બેમિનારોડની પ્રોપર્ટી પણ સીઝ થશે. પાકિસ્તાનના ફંડિંગથી હુર્રિયતના નેતાઓએ આ તમામ પ્રોપર્ટી ખરીદી છે અથવા તો વિકસાવી છે. શહીદુલ ઈસ્લામની મજીબબાગ, શ્રીનગરની પ્રોપર્ટી, ફારુક અહમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટેની નસીમબાગની પ્રોપર્ટી, નઈમ અહમદ ખાનની ઈબ્રાહીમ કોલોની, શ્રીનગર ખાતેની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવશે. મોહમ્મદ અકબર ખંડીની મલોરા નજીકની, ઈસ્લામ ઉલ બાનાની પ્રોપર્ટી, રાજા મેહરાજુદ્દીન કલવલની હમઝા કોલોની નવગાંવની પ્રોપર્ટી, હવાલા ડીલર અને વેપારી ઝહુર વતાલીની પ્રોપર્ટી પણ સરકાર જપ્ત કરશે.

ઉલ્લેખનીય છે કે ટેરર ફંડિંગ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના પુત્ર નસીમ ગિલાની અને મીરવાઈઝ ઉમર ફારુકની અગાઉ સઘન પૂછપરછ કરી ચૂકી છે. બીજી તરફ ગૃહ મંત્રાલયનાં સૂત્રોએ જાણકારી આપી છે કે હુર્રિયત અને અલગતાવાદી નેતાઓ પર સકંજો કસવાનો માસ્ટર પ્લાન કેન્દ્ર સરકારે તૈયાર કરી દીધો છે.

You might also like