એફસીઆઈમાં નોકરી અપાવવાનું કહી બે યુવકો પાસેથી ૩૭ લાખ પડાવ્યા

અમદાવાદ: નરોડા વિસ્તારમાં આવેલ નંદનવન ડુપ્લેક્સમાં રહેતા અને શામળાજીમાં હોટલ ધરાવતા પ્રદીપસિંહ વાઘેલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો વિરુદ્ધમાં છેંતર‌િપંડીની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે પ્રદીપસિંહનો પિતરાઇભાઇ ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમના ઘરે તારીખ ર૩ ‌ડિસેમ્બર, ર૦૧૬ના રોજ આવ્યો હતો અને એફસીઆઇ (ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)માં સારી ઓળખાળ હોવાથી નોકરી મળી જશે તેવી વાત કરી હતી. થોડાક દિવસો બાદ એફસીઆઇમાં નોકરી અપાવવાનો દાવો કરનાર કલ્પેશભાઇ શેઠ, તેમની પત્ની કાજલ અને ધર્મેન્દ્રસિંહ પ્રદીપસિંહના ઘરે આવ્યા હતા. એફસીઆઇમાં નોકરી મળી જશે, જેના માટે ૧૮.પ૦ લાખ રૂપિયાનો ખર્ચ થશે, જે રૂપિયા સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં ‌ડિપોઝિટ પેટે જમા થશે, નોકરી મળી ગયા પછી તમામ રૂપિયા પરત મળી જશે તેવું કલ્પેશભાઇએ પ્રદીપસિંહને કહ્યું હતું.

પ્રદીપેસિંહ અને તેમના મિત્ર વર્ધમાનસિંહને નોકરીની જરૂર હોવાથી કલ્પેશભાઇ તેમજ તેમની પત્ની અને પિતરાઇભાઇની વાત પર વિશ્વાસ કરીને ૩૭ લાખ રૂપિયા ટુકડેટુકડે કલ્પેશભાઇને આપ્યા હતા. રૂપિયા આપી દીધા બાદ તારીખ ૧ એપ્રિલ, ર૦૧૭ના રોજ કલ્પેશભાઇએ એફસીઆઇના સહીસિક્કાવાળા એપોઇન્ટમેન્ટ લેટર આપ્યા હતા અને પ્રદીપસિંહને ઘોડા કેમ્પ ખાતે અને વર્ધમાનસિંહને ગાંધીનગર ખાતે નોકરી મળશે તેવું જણાવ્યું હતું. એપોઇન્ટમેન્ટ લેટર આપ્યા બાદ બન્ને જણાને ટ્રેનિંગ માટે પટણા અને બિહાર જવાનું કલ્પેશભાઇએ કહ્યું હતું. બન્ને જણાં પટણા રેલવે સ્ટેશન પર ઊતર્યા ત્યારે ત્યાં હરીશ નામની વ્યકિત પ્લેટફોર્મ પર મળી હતી, જ્યાં તમારે ટ્રેનિંગ કરવાની જરૂર નથી તેમ કહીને બન્ને જણાને અમદાવાદ પરત મોકલી દીધા હતા. અમદાવાદ આવ્યા બાદ બન્ને જણાને એક મહિના સુધી નોકરી નહીં મળતાં પ્રદીપસિંહે કલ્પેશભાઇ પાસે રૂપિયા પરત માગ્યા હતા. રૂપિયા પરત નહીં આપતાં કલ્પેશભાઇએ ૧ર લાખ રૂપિયાના ચેક આપ્યા હતા, જે બાઉન્સ થતાં અંતે પ્રદીપસિંહે નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ-પત્ની અને પિતરાઇ ભાઇ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.

You might also like