પ્રોડકટનાં બિલ કે રસીદ સાચવવાં નહીં પડે, હવે ઇ-વોરંટી મળશે

નવી દિલ્હી: હવે તમે જો કોઇ ચીજવસ્તુઓ કે પ્રોડકટ ખરીદશો તો તમારે તેનું બિલ, રસીદ અને ગેરંટી કે વોરંટી કાર્ડ સાચવવાની ઝંઝટ રહેશે નહીં. તેમાંથી છુટકારો અપાવવા સરકાર હવે ટૂંક સમયમાં તમામ પ્રોડકટ પર ઇ-વોરંટી શરૂ કરનાર છે. ઇ-વોરંટી હેઠળ પ્રોડકટ ઉત્પાદક કંપની પાસે તમામ પ્રકારનો રેકર્ડ ઉપલબ્ધ હશે અને તેથી તેના આધારે તમે જ્યારે ઇચ્છો ત્યારે તમારી પ્રોડકટ બદલી શકશો અથવા તો તેની ફરિયાદ કરી શકશો.

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું છે કે ઇ-વોરંટી બાદ ગેરંટી સંબંધિત તમામ જાણકારી અને દસ્તાવેજો સંભાળવાની જવાબદારી ઉત્પાદકની રહેશે. ગ્રાહકે માત્ર નિર્ધારિત સમયમર્યાદામાં માત્ર ફરિયાદ જ કરવાની રહેશે. અમેરિકા સહિત અનેક દેશોમાં ઇ-વોરંટીની વ્યવસ્થા અમલમાં છે. પાસવાને જણાવ્યું હતું કે આ માટે સરકાર સંસદમાં પડતર ગ્રાહક રક્ષણ વિધેયકમાં પણ સુધારો કરનાર છે. ઇ-વોરંટી હેઠળ તમામ વિગતો કમ્પ્યૂટરમાં સુર‌િક્ષત રાખવામાં આવશે. પાસવાને એવું પણ જણાવ્યું હતું કે ઇ-વોરંટીનો ફાયદો એ પણ છે કે ગ્રાહક કોઇ પણ શહેરમાં ગેરંટી કે વોરંટીનો લાભ ઉઠાવી શકશે.

You might also like