સુરત: સમસ્યાઓનું નિરાકરણ એ પ્રાથમિકતા

સુરત મ્યુનિસિપલ કોપોર્રેશનનાં નવનિયુક્ત મેયર અસ્મિતાબહેન શિરોયા ર૦૦૬માં કોર્પોરેટર પદે તથા સાંસ્કૃતિક સમિતિનાં ચૅરમેન પદે પણ સેવા આપી ચૂક્યાં છે. બી.કોમ, બી.એડ્.નો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલાં અસ્મિતાબહેન છેલ્લાં ૩૦ વર્ષથી જાહેર જીવન સાથે સંકળાયેલાં છે. મેયર તરીકે આયોજનમાં તેઓ એટલા વ્યસ્ત હતાં કે, ‘અભિયાન’ સાથે મુલાકાત ચાર દિવસે શક્ય બની. સુરત શહેરના પ્રાણપ્રશ્નો અંગે તેમનું શું આયોજન છે તે જાણીએ…

અભિયાનઃ મેયર તરીકે કયા કામને પ્રાથમિકતા આપશો?
અસ્મિતાબહેન શિરોયાઃ સૌ પ્રથમ તો મારા એજન્ડામાં શહેરની જ પ્રાથમિક સુવિધાઓ છે તેની સુધારણા છે. રોડ-રસ્તા, ગટર અને ડ્રેનેજલાઈન તથા સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

શહેરમાં વકરેલી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે શું કરશો?
હાલમાં અમે ટ્રાફિક નિવારણ અંગે પ્લાનિંગ કરી રહ્યાં છીએ. જાહેર માર્ગો પર લારી-ગલ્લાવાળાઓ બેસી જતાં હોવાને કારણે ટ્રાફિક વધી રહ્યો હોવાનું અમારા ધ્યાને આવ્યું છે. આથી લારી-ગલ્લાવાળાઓ માટે અલગ પ્રકારે વ્યવસ્થા કરીને તેમને જાહેર માર્ગો પર બેસતાં અટકાવી શકાય તો ટ્રાફિકની સમસ્યા મોટા પ્રમાણમાં હલ થઈ શકે તેમ છે. આ ઉપરાંત અમે જનતામાં પણ પાર્કિંગ અવેરનેસ લાવીશું જેથી ટ્રાફિકની સમસ્યા હળવી બની શકે.

સ્મિમેર હૉસ્પિટલમાં સુવિધાઓ અંગે કોઈ પ્લાનિંગ છે?
સ્મિમેર હૉસ્પિટલમાં ઉચ્ચ કક્ષાના ડૉક્ટરો છે અને યોગ્ય સુવિધાઓ છે. હા, થોડાક પ્રશ્નો ચોક્કસ છે, પરંતુ સ્વચ્છતા સહિતના જે મુદ્દાઓ ધ્યાન પર આવ્યા છે તેના નિરાકરણના તમામ પ્રયાસો કરીશું. જનતાના સહયોગ વિના કંઈ જ શક્ય નથી. અમે સ્મિમેર હૉસ્પિટલમાં પરિવર્તન લાવવાના પ્રયાસો પણ શરૂ કરી દીધા છે.

સુરત વિકસિત શહેર છે, તેના વિકાસ માટે નવા આયોજન છે?
સુરતમાં સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધાઓ માટે અમે પ્રયત્નશીલ છીએ. શિક્ષણ ક્ષેત્રે પણ ગત વર્ષ કરતાં આ વર્ષે શહેરના વધુમાં વધુ બાળકો શાળાઓ સુધી પહોંચે તે માટે પ્રયાસો કરીશું. શહેરમાં નવા ગાર્ડન, વૃદ્ધો માટે શાંતિકુંજ વગેરે બનાવવાનાં આયોજન પણ છે.

સ્માર્ટ સિટી યોજના અંતર્ગત સુરતમાં કયા કામ હાથ ધરશો?
સૌ પ્રથમ હાલમાં જે સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેનું યોગ્ય મેઇન્ટેનન્સ એ પ્રાથમિક લક્ષ્યાંક છે. ઉપરાંત શહેરની પ્રજાનું જીવનધોરણ ઉપર આવે તે રીતનાં કાર્યો હાથ ધરાશે. મોટા ભાગના વિસ્તારોને આધુનિક રીતે ડેવલોપ કરવા તથા કેટલાક વિસ્તારોને નવેસરથી ડેવલોપ કરવાની કામગીરી કરીશું.

શહેરના પાણીના પ્રશ્ન કેવી રીતે હલ કરશો?
શહેરનું વિસ્તરણ જે ગતિથી થઈ રહ્યું છે તેના કારણે પાણીના પ્રશ્નો ઉદ્દભવે છે. જોકે આવતા વર્ષ સુધીમાં પાણીના પ્રશ્નનું ૧૦૦ ટકા સમાધાન લાવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

તમારા મતે સૌથી અગત્યનું કાર્ય કયું?
પ્રજાનું આરોગ્ય એ સૌથી અગત્યનું છે. તેના માટે અમે યોગને પ્રમોટ કરવાનું આયોજન કરી રહ્યા છીએ. કોઈ પણ વ્યક્તિ યોગ-પ્રાણાયામને લગતા પ્રોજેક્ટ લઈને આવશે તો અમે તેમને મદદરૂપ બનીશું.

પ્રતીક કાશીકર

You might also like