ટીસીઅેસના પ્રોપર્ટી ટેક્સના મોડ્યુલનાં હજુ પણ ધાંધિયાં

ટીસીઅેસના પ્રોપર્ટી ટેક્સના મોડ્યુલનાં હજુ પણ ધાંધિયાં
અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઅોઅે ઇ-ગવર્નન્સના અમલીકરણ માટે નેશનલ ઇ-ગવર્નન્સ એકેશન પ્લાન (અેનઈજીપી) અમલમાં મૂક્યો છે. અાના માટે ટીસીઅેસ કંપનીને અાશરે રૂ. ૩૫ કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો છે. ટીસીઅેસ દ્વારા જુદા જુદા મોડ્યુલોના અમલીકરણની કામગીરી િવવિધ તબક્કે ચાલુ છે, પરંતુ કંપનીની કામગીરી પ્રારંભથી વિવાદાસ્પદ રહી છે, તેમાં પણ અાવકનો મુખ્ય સ્રોત ગણાતા પ્રોપર્ટી ટેક્સના મોડ્યુલમાં તો પાર વગરની મુશ્કેલીઅો છે.

ચાલુ નાણાકીય વર્ષની શરૂઅાતથી અેટલે કે ગત તા. ૧ અેપ્રિલ, ૨૦૧૫થી મ્યુનિ. કોર્પોરેશને ટીસીઅેસ કંપનીને કરોડો રૂપિયાનો ઇ-ગવર્નન્સનો કોન્ટ્રાક્ટ સોંપ્યો છે. અગાઉની માઈક્રોટેક કંપની તેની નબળી કામગીરી બદલ વારંવાર વિવાદોમાં અાવી હતી, પરંતુ ટોચના ઉચ્ચ અધિકારીઅોની શેહશરમથી માઈક્રોટેક કંપનીનું ગાડું ગબડ્યું હતું.

પરંતુ કોર્પોરેશન માટે ટીસીઅેસ કંપની તો ભૂત કાઢતાં પલિત અાવ્યું જેવી સાબિત થઈ છે. કોર્પોરેશનના વિધિન્ન વિભાગો માટેના મોડ્યુલ બનાવવાની કામગીરીમાં ગોકળગાય ગતિથી અાગળ વધતી ટીસીઅેસ કંપનીથી મ્યુનિ. તંત્ર પણ કંટાળ્યું છે, તેમાં પણ ટેક્સ વિભાગને લગતા છબરડાથી મ્યુનિ. તિજોરીની અાવકને ફટકો પડ્યો છે.

૧ અેપ્રિલથી પ્રામાણિક કરદાતાઅો માટે પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના જાહેર કરાય છે, પરંતુ ટીસીઅેસના લોચાથી પ્રામાણિક કરદાતાઅો મુસીબતમાં મુકાયા હતા. અોનલાઈન ટેક્સ પેમેન્ટ થતું ન હતું. પ્રોપર્ટી ટેક્સના સામાન્ય નામ ટ્રાન્સફરના સુધારા પણ ટેક્સ વિભાગ કરી શક્તો ન હતો.હવે મ્યુનિ. કમિશનર ડી. થારાઅે જે તે ઝોનની ટોપ ૨૫ ડિફોલ્ટરોની યાદી તૈયાર કરવાની જે તે ઝોનના ડેપ્યુટી કમિશનરોને કડક તાકીદ કરી છે.

પ્રોપર્ટી ટેક્સની જૂની અને નવી ફોર્મ્યુલાની અાશરે રૂ. ૧૨૦૦ કરોડની વસૂલાત મ્યુનિ. ચોપડે બાકી બોલે છે. જેએનયુઅારએમ પ્રોજેક્ટ નવી એનડીઅે સરકારે બંધ કરી દેતાં સત્તાધીશો નવા પ્રોજેક્ટ રદ કરી શકે તેમ નથી. હવે પ્રોપર્ટીટેક્સની અાવક, અોક્ટ્રોય ગ્રાંટની અાવકથી કોર્પોરેશન ફંડનાં કામો અને મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનાં કામોથી વિકાસકામોની ગાડી પાટા પર જેમ તેમ દોડી રહી છે.

અા સંજોગોમાં સરકારી મિલકતોના લાખો રૂપિયાના ટેક્સ બાકી છે. રેલવે, બીએસઅેનએલ, ઇન્કમટેક્સ, હાઈકોર્ટ, સેલ્સટેક્સ જેવી શહેરમાં અસંખ્ય રાજ્ય અને કેન્દ્રની માલિકીની મિલકતો છે. અા મિલકતોની યાદી તૈયાર કરીને સત્તાધીશો તેમના પરની ધોંસ વધારી શકે છે, પરંતુ ટીસીઅેસનું ટેક્સ મોડ્યુલ હજુ પણ ખામીયુક્ત છે! બીજી તરફ નીચલી કમિટીઅોનું ચેરમેનપદ મેળવવા જબરદસ્ત રાજકારણ ચાલતું હોઈ રેવન્યુ કમિટી (ટેક્સ)ના ચેરમેનનું પદ ખાલી પડ્યું છે! સરવાળે, સરકારી મિલકતોની યાદી મ્યુનિ. તંત્ર તૈયાર કરી શકતું નથી!

You might also like