લંચ-ડિનર કર્યા વગર સવારના સાડા પાંચ વાગ્યા સુધી પ્રિયંકા ગાંધીએ કાર્યકરોના ‘ક્લાસ’ લીધા

(એજન્સી) લખનૌ: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા ઉત્તરપ્રદેશમાં પક્ષને મજબૂત બનાવવા માટે સખત મહેનત કરી રહ્યાં છે. લખનૌમાં પહેલા જ દિવસે કાર્યકર્તાઓ સાથે મંગળવાર બપોરના ૧.ર૦ કલાકથી શરૂ થયેલી પ્રિયંકાની બેઠક બુધવારે એટલે કે આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે પૂરી થઈ હતી.

આ ૧૬ કલાક સુધી તેઓ લંચ અને ડિનર કર્યા વગર સતત પક્ષના નેતાઓ અને કાર્યકરો સાથે વિચાર-વિમર્શ કરતાં રહ્યાં હતાં. લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે મળેલી આ બેઠકમાં કોંગ્રેસના પદાધિકારીઓ અને વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. પ્રિયંકાએ કાર્યકરોને અનેક આકરા સવાલ પણ પૂછ્યા હતા અને સંતોષકારક જવાબ ન મળ્યા ત્યારે તેમને ખખડાવી નાખ્યા હતા.

પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશની કમાન સંભાળતાંની સાથે જ કોંગ્રેસના કાર્યકરોને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે જૂની કોંગ્રેસમાં જે રીતે ઢીલું કામ થતું હતું એ હવે નહીં ચલાવી લેવાય. પક્ષે હવે નવેસરથી શરૂઆત કરવાની છે.

પૂર્વ યુપીનાં પ્રભારી પ્રિયંકા ગાંધીએ પદાધિકારીઓને જ્યારે પૂછ્યું કે તમારા બૂથની સંખ્યા જણાવો તો તેઓ વિચારતા થઈ ગયા હતા અને જવાબ આપી શક્યા ન હતા. બહુ વિચાર કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે તેમને બૂથની સંખ્યા વિશે ખબર નથી. પ્રિયંકાએ ત્યારબાદ કોંગ્રેસના છેલ્લા કાર્યક્રમની વિગતો માગી હતી પણ કોઈ જવાબ આપી શક્યા ન હતા. પરિણામે રોષે ભરાયેલાં પ્રિયંકાએ સંભળાવી દીધું હતું કે તમારી કોઈ જવાબદારી નથી? બૂથની સંખ્યા પણ જાણતા નથી તો ચૂંટણીની તૈયારીઓ કઈ રીતે કરશો?

પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજના કાર્યકરો સાથે મુલાકાત કર્યા બાદ વહેલી સવારે સાડા પાંચે બેઠક પૂરી કરી હતી. હાલ તેઓ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયથી નીકળી ગયાં છે. સવારના ૧૧ વાગ્યાથી તેઓ ફરી બેઠક શરૂ કરશે અને કાર્યકરોના દિલની વાત સાંભળશે. બીજી તરફ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પશ્ચિમ યુપીના કાર્યકર્તાઓ સાથે મોડી રાતે દોઢ વાગ્યા સુધી બેઠક કરી હતી. ત્યારબાદ તેઓ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર સાથે ત્યાંથી નીકળી ગયા હતા.

ફૂલપુરના લોકોએ પ્રિયંકાને ત્યાંથી ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો હતો. પ્રિયંકાએ દરેક કાર્યકરને પાંચથી ૧પ મિનિટ સુધી બોલવાનો સમય ફાળવ્યો હતો. કેટલાક કાર્યકરોએ વધુ સમય લીધો ત્યારે પણ પ્રિયંકાએ ખૂબ જ ધીરજ અને રસથી તેમની વાત સાંભળી હતી. પ્રિયંકાએ ચોખ્ખું કહી દીધું હતું કે હું અહીં કાર્યકરોના દિલની વાત સાંભળવા જ આવી છું. કોઈને બોલતાં અટકાવવામાં આવશે નહીં.

પ્રિયંકાએ કાર્યકરોને જણાવ્યું કે જ્યારે તેઓ રાયબરેલી અને અમેઠી ગયાં હતાં તો ત્યાં પણ કમિટીની ઘણી સમસ્યાઓ હતી. દરેક કમિટીમાં જરૂર કરતાં વધુ લોકોની તેમણે છટણી કરી હતી. સમગ્ર ઉત્તરપ્રદેશમાં પણ હવે આ ફોર્મ્યુલા જ લાગુ પાડવામાં આવશે.

You might also like