પ્રિયંકા ગાંધી આજે ગંગા બોટયાત્રાના અંતિમ દિવસે મોદીના ગઢ વારાણસીમાં

(એજન્સી) વારાણસી: આજે કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી ગંગા નદીમાં બોટયાત્રાના ત્રીજા અને આખરી દિવસેે વારાણસી પહોંચી રહ્યાં છે. આજે પ્રિયંકા ગાંધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતક્ષેત્ર વારાણસીમાં પહોંચી રહ્યાં છે ત્યારે તેમની આ બોટયાત્રાને ક્લાયમેકસ માનવામાં આવી રહી છે.

પ્રિયંકા ગાંધીના સ્વાગત માટે વારાણસીમાં સંપૂર્ણ તૈયારીઓ થઇ ચૂકી છે. આજે પ્રિયંકા ગાંધી સંતો-મહંતો અને વકીલોના ઉગ્ર વિરોધ વચ્ચે કાશી વિશ્વનાથનાં દર્શન કરશે-રોડ શો યોજશે અને કાર્યકર્તાઓને સંબોધન કરશે. પ્રિયંકા ગાંધી સૌ પહેલાં વારાણસીના રામનગર પહોંચશે, જ્યાં પૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલી કરશે.

રામનગરથી બોટ પર સવાર થઇ પ્રિયંકા ગાંધી અસીઘાટ પહોંચશે. અસીઘાટ ખાતે પ્રિયંકા જૈન સમુદાય અને મહિલાઓ સાથે નાવિક સમુદાયને પણ મળશે. અસીઘાટથી રવાના થયા બાદ પ્રિયંકા ગાંધી દશાશ્વમેઘઘાટ પહોંચશે અને ત્યાંથી પ્રિયંકા ગાંધી કાશીવિશ્વનાથ મંદિર જશે અને ત્યાં પૂજા-અર્ચન કરીને પોતાના પક્ષના વિજય માટે પ્રાર્થના કરશે.

કાશીવિશ્વનાથનાં દર્શન બાદ પ્રિયંકા ગાંધી પીપરાલી કટરાળ સરોજા પેલેસ પર પહોંચશે. આ દરમિયાન પ્રિયંકા ગાંધી ત્રણ કિલોમીટર લાંબો રોડ શો યોજશે અને સરોજા પેલેસ ખાતે હજારો કોંગ્રેસી કાર્યકરોને સંબોધિત કરશે. ત્યાર બાદ પ્રિયંકા પુલવામા હુમલાના શહીદોનાં પરિવારજનોને મળશે અને તેમને સાંત્વના આપશે કે કોંગ્રેસ તેમની સાથે જ છે.

આજે હોળીનો દિવસ છે, પરંતુ શહીદોની સ્મૃતિમાં હોળી મિલન કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. શહીદોનાં પરિવારજનોને મળ્યા બાદ પ્રિયંકા સાંજે પ-૦૦ વાગ્યાની આસપાસ વારાણસીથી દિલ્હી જવા રવાના થશે. આમ, પ્રિયંકા ગાંધી મોદીના સંસદીય મતક્ષેત્ર વારાણસીમાં સાતેક કલાક જેટલો સમય ગાળશે અને પક્ષ નેતાઓ સાથે બેઠક પણ યોજશે.

You might also like