ઇન્ડિયા ગેટ પર પ્રિયંકા ગાંધી સાથે ગેરવર્તૂણક, કોંગ્રેસ કાર્યકર્તાઓ પર ભડકી

ઉન્નાવ રેપ કેસ અને કઠુઆ રેપ કેસ વિરુધ્ધ નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર અડધી રાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી ઇન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. તેની સાથે રોબર્ટ વાડ્રા પણ હતા.

આ દરમિયાન કેન્ડલ માર્ચમાં રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા ગુલાબ નબી આઝાદ, અંબિકા સોની, અજય માકન સહિત દિગ્ગજ નેતાઓ જોવા મળ્યા હતા. આ કેન્ડલ માર્ચમાં પ્રિયંકા ગાંધી એ સમયે નારાજ થઇ ગઇ હતી જ્યારે રોડ પર વારંવાર કાર્યકર્તાઓ દ્વારા ધક્કામુક્કી કરવામાં આવી રહી હતી.

ખરેખર કેન્ડલ માર્ચમાં કાર્યકર્તાઓની ભીડના કારણે પ્રિયંકા ગાંધીને કાર્યકર્તાઓની ધક્કામુક્કીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઇને પ્રિયંકા ગાંધીન નારાજ થઇ હતી અને કોંગ્રેસી કાર્યકર્તાઓ પર ભડકી ગઇ હતી. કેન્ડલ માર્ચ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ પ્રિયંકા ગાંધીને ચારેબાજુથી ધેરી લીધી હતી જેના કારણે તે ભીડમાંથી બહાર નીકળી શકતી નહોતી.

આ દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા ધક્કામુક્કી કરવામાં આવતાં પ્રિયંકા ગાંધી ડરી ગઇ અને કાર્યકર્તાઓને કોણી મારતા આગળ નીકળી હતી. કેન્ડલ માર્ચ દરમિયાન ભીડની વચ્ચે પ્રિયંકા ગાંધીની દિકરી ફસાઇ ગઇ હતી જેને લઇને તે ડરી ગઇ હતી.

આ દરમિયાન નારાજ પ્રિયંકાએ કાર્યકર્તાઓને કહ્યું તમે તમારી જાતને પુછો કે તમે શું કરવા અહીં આવ્યા હતા અને તમે શુ કરી રહ્યાં છો.જે લોકો અહી ધક્કા મારવા આવ્યા છે તે લોકો ઘરે ચાલ્યા જાય નહીંતર શાંતિથી આગળ વધો.

You might also like