પ્રિયંકા ગાંધી સોમનાથ, દ્વારકા અને અંબાજીની મુલાકાત લે તેવી શક્યતા

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: લોકસભાની ગુજરાતની ૨૬ બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. આગામી તા.૮ એપ્રિલે બપોરે ચૂંટણી જંગમાં ઊતરનાર ‌ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી પ્રચાર માટે આયોજન ઘડવાની કવાયત હાથ ધરી છે.

આ બંને મુખ્ય રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓના પ્રવાસના આયોજન ગોઠવાઇ રહ્યાં છે. પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીએ પક્ષના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીને ગુજરાતના દેશભરમાં પ્રસિદ્ધ એવા સોમનાથ, દ્વારકા અને અંબાજીની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે.

છેલ્લે અડાલજના ત્રિમંદિર ખાતે યોજાયેલ પક્ષની જન સંકલ્પ રેલીને પ્રિયંકા ગાંધીએ છ મિનિટ માટે સંબોધી હતી. ગત તા.૧ર માર્ચે યોજાયેલી આ રેલીમાં પ્રિયંકા ગાંધીએ પક્ષના મહાસચિવના હોદ્દાની રૂએ પ્રથમવાર લોકોને સંબોધ્યા હતા. પ્રિયંકા ગાંધી રાજકારણમાં સક્રિય બન્યા બાદ દેશભરમાં તેમના પક્ષ વતી પ્રચારના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમનાથ, દ્વારકા અને અંબાજીના દર્શન કરી ચૂક્યા છે. ગત વર્ષ ર૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમનો પ્રવાસ ગોઠવાયો હતો.

આ વખતે લોકસભાની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી દેશભરમાં જાણીતા આ ત્રણ યાત્રાધામની મુલાકાત લે તેવી શક્યતા છે. આ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પૂછતાં તેઓ કહે છે, પ્રદેશ સ્તરેથી અમે પ્રિયંકા ગાંધીને સોમનાથ, દ્વારકા અને અંબાજીની મુલાકાત લેવાનું આમંત્રણ પાઠવ્યું છે. જોકે તેમની તારીખ હજુ નિશ્ચિત નથી.

દરમ્યાન આજે બપોરે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પક્ષના ચૂંટણી ઢંઢેરા અંગે પત્રકારોને સંબોધશે. જેમાં રાજીવ સાતવ અને અમિત ચાવડા લઘુતમ આવક યોજના-ન્યાય, ખેડૂતો માટે અલગ બજેટ, મનરેગામાં ૧૦૦ દિવસ વધારીને ૧પ૦ દિવસની રોજગારી, યુવા સાહસિકોને ત્રણ વર્ષ સુધી લાઈસન્સ રાજથી મુક્તિ તેમજ ર૦ર૦ સુધી ખાલી સરકારી નોકરીઓમાં બેરોજગારોની નિમણૂક જેવા ચૂંટણી ઢંઢેરાને લગતા મહત્વના મુદ્દાઓથી માહિતગાર કરશે.

You might also like