કોંગ્રેસ યુપીમાં નવા ચહેરાઓ પર દાવઃ ટીમ પ્રિયંકાનો પ્લાન

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ ચૂંટણીને લઈને કોંગ્રેસ દરેક બોલ પર એક નવો શોટ રમી રહી છે. કોંગ્રેસનાં આ પગલાંએ વિરોધી છાવણીમાં ખળભળાટ મચાવી દીધો છે. ચૂંટણીને લઈને કોંગ્રેસ કોઈ જોખમ ઉઠાવવા માગતી નથી. કોંગ્રેસ પોતાની કોર્ટમાં આવતા દરેક બોલને સમજી વિચારીને રમે છે. વાત ચૂંટણીના ઉમેદવારો પસંદ કરવાની છે અને કોંગ્રેસ આ બાબતમાં સમજી વિચારીને આગળ વધી રહી છે.

ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર પસંદ કરવાની જવાબદારી પ્રિયંકા ગાંધી વાડરાને સોંપવામાં આવી છે. અંદરનાં વર્તુળોના જણાવ્યા પ્રમાણે આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી વધુમાં વધુ નવા ચહેરાઓને સ્થાન આપશે. કોંગ્રેસના ઉમેદવારોની ટીમ પસંદ કરવા માટે પ્રિયંકાએ એક સર્વે પણ શરૂ કરાવ્યો છે. કોંગ્રેસ આ વખતે ટિકિટની ફાળવણીમાં ભાઈ-ભત્રીજાવાદ અને સગાંવાદનાં કલંકને મીટાવવા માગે છે અને આ વખતે ટિકિટની ફાળવણી વખતે સગાંવાદ બિલકુલ ચાલશે નહીં એવું કોંગ્રેસના આંતરિક વર્તુળોનું કહેવું છે.

કોંગ્રેસની નવી ટિકિટ વિતરણ યોજના આ બાબત તરફ સંકેત આપી રહી છે. ક્યાં વિધાનસભા ક્ષેત્રમાં કોને ટિકિટ આપવી તે માટે અત્યારથી જ કવાયત શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ક્યા ઉમેદવાર કોંગ્રેસ માટે વિજેતા પુરવાર થશે તે મુદ્દાને વધુ મહત્ત્વ આપવામાં આવશે. મતદારો વચ્ચે ઉમેદવારની છબી સારી હોવી જોઈએ અને હવે આ બધી બાબતોનો નિર્ણય પ્રિયંકા ગાંધી કરશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટિકિટ ફાળવણીનો સમગ્ર હવાલો પ્રિયંકા ગાંધીના હાથમાં રહેશે. આ માટે પ્રિયંકા ગાંધીએ ઉમેદવારો અંગે સર્વે ચાલુ કરાવી દીધો છે. ઉમેદવારોની પસંદગી માટે નિર્ણય લેવા માટે ટીમ પ્રિયંકા ઉત્તર પ્રદેશના જુદા જુદા જિલ્લાઓમાં સર્વે કરવા માટે રવાના થઈ ચૂકી છે અને માટે જ કદાચ ટિકિટ વિતરણમાં વિલંબ થઈ રહ્યો છે.

પ્રિયંકા ગાંધીને ટિકિટ વિતરણનો હવાલો સોંપવા પાછળ કોંગ્રેસના રણનીતિકાર પ્રશાંત કિશોરનું ભેજું હોવાનું સૂત્રો જણાવે છે. પ્રિયંકા ગાંધીએ ખાસ કરીને એવા જિલ્લાઓમાં ટીમ રવાના કરી છે જ્યાંથી કોંગ્રેસની સૂચિત ‘૨૭ સાલ યુપી બેહાલ’ રેલી નીકળવાની છે. રેલી નીકળશે ત્યાં સુધી ટીમ પ્રિયંકા જે તે જિલ્લામાં હાજર રહેશે.

સૂત્રો જણાવે છે કે આ વખતે ટિકિટ માગનારા જૂના ચહેરાઓને ટિકિટ મળશે નહીં. હા એટલું ચોક્કસ છે કે ટિકિટના બદલે તેમને વિધાનસભા ક્ષેત્રમાં કોઈ બીજી જવાબદારી સોંપવામાં આવશે.

You might also like