મારી પાસે બોમ્બ છે? એવું પ્રવાસીએ પૂછતાં પ્રિયંકાને ફલાઇટ બદલવી પડી

નવી દિલ્હી: પ્રિયંકા ગાંધી તાજેતરમાં જે પ્લેન દ્વારા દિલ્હીથી ચેન્નઇ જઇ રહ્યાં હતાં તેમાં સિકયોરિટી ચેકિંગ દરમિયાન એક પ્રવાસી ગુસ્સે થઇ ગયો હતો. આ પ્રવાસીએ ગુસ્સામાં પૂછયું હતું કે શું વારંવાર ચેક કરો છો? મારી પાસે શું બોમ્બ છે? એસપીજીએ પ્રવાસીને અલગ કરીને તુરત જ એરપોર્ટ સિકયોરિટીને હવાલે કરી દીધો હતો. ત્યાર બાદ વિમાનનું લાંબા સમય સુધી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બોમ્બ તો મળ્યો નહીં, પરંતુ પ્રિયંકાને ફલાઇટ બદલવી પડી અને બીજાં વિમાન દ્વારા ચેન્નઇ મોકલવામાં આવ્યાં.

ગત સોમવારે જેટ એરવેઝની ફલાઇટ નં.૯ડબલ્યુ-૮ર૧ દ્વારા પ્રિયંકાને ચેન્નઇ જવાનું હતું. આ ફલાઇટ દ્વારા એક અન્ય પેસેન્જર પણ પોતાના મિત્રને મળવા ચેન્નઇ જઇ રહ્યો હતો. સિકયોરિટી ચેકિંગ દરમિયાન મેટલ ડિટેકટર બિપ બિપ અવાજ કરવા લાગ્યું હતું. ચેક કરતાં ખબર પડી કે આ પેસેન્જર પાસે કેટલાક સિક્કા છે. સિક્કા બહાર કાઢયા બાદ તેનું ફરીથી ચેકિંગ કરવામાં આવ્યું હતું, તો ફરીથી મેટલ ડિટેકટર પર બિપ સાઉન્ડ સંભળાયો હતો. આ વખતે તેને ખિસ્સામાંથી પેન બહાર કાઢવાનું કહેવામાં આવ્યું હતું. આથી આ પેસેન્જર ખૂબ જ ચીડાઇ ગયો હતો અને બોલ્યો હતો કે મારી પાસે બોમ્બ છે તે આટલું બધું વારંવાર ચેકિંગ કરો છો?

આથી સિકયોરિટી સ્ટાફને તેના પર શંકા જતાં પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. કારણ કે આ ફલાઇટમાં પ્રિયંકા જઇ રહી હતી. આ પેસેન્જરને છેવટે પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. ફલાઇટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ફલાઇટ બે કલાક મોડી ઉપડી હતી. દરમિયાન પ્રિયંકાને બીજી ફલાઇટમાં ચેન્નાઇ પહોંચાડાઇ હતી.

You might also like