પ્રિયંકા ગાંધીનું પ્રથમ ટ્વિટઃ ‘સાબરમતી મેં સચ જિંદા હૈ’

(એજન્સી) નવી દિલ્હી: કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર એન્ટ્રી માર્યા બાદ પોતાનું પ્રથમ ટ્વિટ કર્યું હતું. તેમણે સાબરમતી આશ્રમનો ઉલ્લેખ કર્યો હતો અને મહાત્મા ગાંધીનાંં એક વિધાનને ટાંકીને જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા હંમેશાં હિંસાની વિરુદ્ધ હતા. અમદાવાદમાં કોગ્રેસ કારોબારીની બેઠકમાં સામેલ થયા બાદ પ્રિયંકાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે ‘સાબરમતી કી સાદગી મેં સત્ય જીવિત હૈ’.

પ્રિયંકાએ ગાંધીજીના અન્ય એક વિધાનને ટાંકીને બીજું ટ્વિટ કર્યું હતું કે, ‘જો હિંસાના મકસદમાં કંઇ સારું દેખાતું હોય તો તે માત્ર હંગામી હોય છે. હિંસામાં હંમેશાં બુરાઇ જ હોય છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીએ ૧૦ ફેબ્રુઆરીના રોજ ટ્વિટર જોઇન કર્યું હતું, પરંતુ આટલા દિવસો બાદ તેમણે પ્રથમ વખત ટ્વિટ કર્યું છે. આ અગાઉ પ્રિયંકા ગાંધીએ અમદાવાદ ખાતે કોંગ્રેસની એક જાહેર સભામાં જણાવ્યું હતું કે હું પ્રથમ વાર ગુજરાત આવી છું અને પ્રથમ વાર એ સાબરમતી આશ્રમ ગઇ હતી કે જ્યાંથી મહાત્મા ગાંધીએ આઝાદી માટે સંઘર્ષની શરૂઆત કરી હતી.

સાબરમતી આશ્રમમાં બેસીને મને લાગ્યું કે મારી આંખોમાં આંસુ આવી જશે. મને એવા લોકોની યાદ આવી કે જેમણે દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું. આ દેશ પ્રેમ, સદભાવ અને પારસ્પારિક સ્નેહના આધાર પર ટકેલો છે. આજે દેશમાં જે કંઇ થઇ રહ્યું છે તેનાથી દુઃખ થાય છે.

You might also like