પ્રિયંકા ચોપરાની ‘નલિની’ એક ઐતિહાસિક પ્રેમકહાણી…

પ્રિયંકા ચોપરા હાલમાં તેનાં લગ્નને લઇને ખૂબ જ ચર્ચામાં છે તો બીજી તરફ હોલિવૂડ પ્રોજેક્ટ્સના કારણે પણ તે ચર્ચામાં છે. તે નિર્માત્રી તરીકે હવે એક ત્રિભાષી ફિલ્મનું નિર્માણ કરવા જઇ રહી છે.

ભોજપુરીમાં ‘બમ બમ બોલ રહા હૈ કાશી’, મરાઠીમાં નેશનલ એવોર્ડ વિનર ‘વેન્ટિલેટર’ અને પંજાબીમાં ‘સરવણ’ જેવી ફિલ્મોનું નિર્માણ કરી ચૂકેલી પ્રિયંકા હવે એક પિરિયડ રોમાન્સ ફિલ્મ ‘નલિની’નું નિર્માણ કરશે, જે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની વાસ્તવિક જિંદગીની પ્રેમકહાણી પર આધારિત હશે.

આ ફિલ્મનું નિર્દેશન નેશનલ એવોર્ડ વિજેતા ઉજ્જ્વલ ચેટરજી કરશે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં શરૂ થશે અને ડિસેમ્બરમાં પૂરી થશે. ફિલ્મમાં ગુરુદેવનું પાત્ર ભજવવા માટે બંગાળી અભિનેતા સાહબ ભટ્ટાચાર્યજી અને નલિનીના પાત્ર માટે મરાઠી અભિનેત્રી વૈદેહી પરશુરામીની પસંદગી કરાઇ છે.

ચેટરજીનું કહેવું છે કે મેં આ અંગે મધુ મેમ સાથે વાત કરી લીધી છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પર અમને વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં સ્વીકૃતિ મળી હતી. તે પણ ત્રણ ડ્રાફ્ટ જમા કરાવ્યા બાદ. ત્યારબાદ અમે પ્રિયંકાને લઇને અંગ્રેજીમાં ફિલ્મ બનાવવાનું વિચાર્યું, પરંતુ તેમ ન થઇ શક્યું.

અમે તેને બંગાળી, મરાઠી અને અંગ્રેજીમાં બનાવવાનો નિર્ણય લીધો. પ્રી પ્રોડક્શનનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. શૂટિંગની ડેટની આસપાસ કલાકારો સાથે વર્કશોપ કરવાનું શરૂ થઇ જશે. ૧૮૭૮માં જ્યારે ગુરુદેવ માત્ર ૧૭ વર્ષના હતા અને ડોક્ટર આત્મારામ પાંડુરંગ તુરખુદ સાથે મુંબઇમાં રહેતા હતા તો તેમની ૨૦ વર્ષની પુત્રી અન્નપૂર્ણા સાથે પ્રેમ થઇ ગયો હતો.

અન્નપૂર્ણા ત્યારે ઇંગ્લેન્ડથી આવી હતી અને સારું અંગ્રેજી જાણતી હોવાના કારણે ટાગોરની ટ્યૂટર બની ગઇ હતી. અન્નપૂર્ણાની જીદ પર ગુરુદેવે તેને નલિની નામ આપ્યું અને તેને પોતાની કવિતામાં અમર કરી દીધી, જે તેના માટે લખાઇ હતી. ગુરુદેવના પિતાએ તેમના પ્રેમને ન સ્વીકાર્યો અને આ પ્રેમકહાણીનો અંત આવ્યો. આ એક પ્લેટોનિક લવસ્ટોરી હતી. •

You might also like