ન્યૂયોર્કના રસ્તા પર પ્રિયંકાએ શૂટ કર્યું હોલિવૂડ ફિલ્મનું ગીત

ન્યૂયોર્ક: પ્રિયંકા ચોપરા પોતાના નવા બોલિવૂડ પ્રોજેક્ટ ‘ભારત’ને શૂટ કરતાં પહેલાં એક હોલિવૂડ ફિલ્મનું શૂટિંગ કરવા ન્યૂયોર્ક ગઇ છે. આ ફિલ્મનું નામ છે ‘ઇઝન્ટ ઈટ રોમેન્ટિક’. આ ફિલ્મમાં પ્રિયંકા હોલિવૂડ સ્ટાર લિયામ હેમ્સવર્થ સાથે જોવા મળશે. તાજેતરમાં આ ફિલ્મનું અંતિમ શેડ્યૂૂલ ન્યૂયોર્કમાં થયું છે.

આ દરમિયાન એક ગીતનું શૂટિંગ પણ થયું. ગીતના શૂટિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં પ્રિયંકા પિંક ડ્રેસમાં ન્યૂયોર્કના રસ્તા પર ડાન્સ કરતી દેખાય છે.

આ દરમિયાન પ્રિયંકાનાં એક્સ્પ્રેશન ખૂબ જ સુંદર જોવા મળ્યાં હતાં. ફોટા જોઇને કહી શકાય કે હોલિવૂડ ફિલ્મમાં ફિલ્મના ગીત પર ડાન્સ કરીને તેને ખૂબ જ મજા આવી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં બે વર્ષથી પ્રિયંકા ચોપરા હોલિવૂડમાં ખૂબ જ સક્રિય હતી.

આ દરમિયાન તેણે ટીવી શો ‘ક્વાન્ટિકો’ ઉપરાંત હોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યું, તેમાં ‘બેવોચ’ અને ‘અ કિડ લાઇક જેક’ જેવી ફિલ્મો સામેલ છે. હોલિવૂડમાં બિઝી રહેવાના કારણે પ્રિયંકા બોલિવૂડથી દૂર હતી. વર્ષ ૨૦૧૬માં આવેલી ‘જય ગંગાજલ’ બાદ તે કોઇ પણ ફિલ્મમાં જોવા મળી નથી.

શોનાલી બોસની આગામી ફિલ્મમાં કામ કરશે
પ્રિયંકાએ થોડા દિવસ પહેલાં એક ફોટો શેર કર્યો હતો, જેમાં એક સ્ટોરી ડ્રાફ્ટ બતાવાયો હતો, જેનું નામ ‘ધ સ્કાય ઇઝ પિંક’ હતું. તેના કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યું હતું ‘એન્ડ ઇટ બિગિન્સ’. ફિલ્મનું ટાઇટલ ‘ધ સ્કાય ઇઝ પિંક’ હશે કે નહીં તે વિશે હજુ પૂરી જાણકારી મળી નથી.

ફિલ્મ ઓગસ્ટ મહિનામાં ફ્લોર પર જશે, તેમાં પ્રિયંકા ઉપરાંત ફરહાન અખ્તર મુખ્ય ભૂમિકામાં હશે. આ બંને સ્ટાર્સ ‘દંગલ’ ફિલ્મ અભિનેત્રી ઝાયરા વસિમનાં માતા-પિતાની ભૂમિકામાં જોવા મળશે. તેના ડિરેક્ટર શોનાલી બોસ હશે.

‘ભારત’ પણ સાઇન કરી ચૂકી છે
આ ફિલ્મ પહેલાં પ્રિયંકા ચોપરા ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ‘ભારત’ સાઇન કરી ચૂકી છે, તેમાં તે સલમાન ખાનની ઓપોઝિટ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ જુલાઇથી શરૂ થશે. ૨૦૧૯ના ઓગસ્ટ મહિનામાં આ ફિલ્મ રિલીઝ થશે.

You might also like