વિદેશમાં માન મળ્યુંઃ પ્રિયંકા ચોપરા

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા જોતજોતામાં હોલિવૂડમાં મોટી સ્ટાર બની ગઇ. પ્રિયંકા કહે છે કે હું હોલિવૂડ કોઇ ઝંડો લઇને ગઇ ન હતી. મને મોકો મળતો ગયો અને સંપૂર્ણ મહેનત સાથે હું તે કામ કરતી ગઇ. પ્રિયંકા કહે છે કે પશ્ચિમી દેશોમાં ભારતીય અને ભારતીય ફિલ્મોને લઇને એક સ્ટિરિયોટાઇપવિચાર હોય છે. તેઓ એવું વિચારે છે કે આપણા રસ્તાઓ પર હાથી ચાલે છે કે નહીં. આપણે સારું ઇંગ્લિશ બોલી શકીએ છીએ કે નહીં. આપણી ફિલ્મોમાં અચાનક નાચવા-ગાવાનું ક્યાંથી આવી જાય છે. એક કલાકાર તરીકે જ્યારે હું સેટ પર જાઉં છું ત્યારે એ જરૂર કરું છું કે મારું કામ પરફેક્ટ રીતે કરી શકું. મારા મત મુજબ આપણા દેશનું સૌથી સારું પ્રતિનિધિત્વ એ જ છે કે આપણે આપણું કામ સારી રીતે કરી શકીએ. બીજું હું તેમને સમજાવવાની કોશિશ કરું છું કે હિંદી ફિલ્મોમાં નાચવું-ગાવું આપણી સંસ્કૃતિનો ભાગ છે. આપણે ત્યાં કહાણી મ્યુઝિક દ્વારા સંભળાવાય છે. મારો શો જોનાર લોકોએ મારી ઘણી ફિલ્મો જોઇ. આ પ્રકારે એક કલ્ચર એક્સચેન્જ થઇ રહ્યું છે.

જયારે પ્રિયંકા શરૂઆતમાં અમેરિકા ગઇ હતી ત્યારે ત્યાંનું મીડિયા તેની સામે યોગ્ય રીતે ન વર્ત્યું. કદાચ તે પ્રિયંકાને ઓળખતા ન હતા અથવા તો ભારતીય હોવાના નાતે આમ બન્યું. ત્યારબાદ તેમનું વલણ ફ્રેન્ડલી થઇ ગયું. પ્રિયંકા કહે છે કે આપણે ઇન્ડિયામાં સ્ટાર છીએ તો દરેક દેશમાં આપણને એ જ સ્ટારડમ મળે તે જરાય જરૂરી નથી. દરેક દેશમાં તેના અલગ સેલિબ્રિટી હોય છે. મને ખુદ મારો પરિચય આપવામાં કોઇ પરેશાની થઇ નથી. ત્યાં કોઇએ મારું કામ જોયું ન હતું. તેથી મને લાગતું નથી કે તેમના ઇરાદા ખોટા હતા. એકાદ-બે લોકોને છોડીને અમેરિકન મીડિયાએ મને ખૂબ જ પ્રેમ અને માન આપ્યાં. મેં ક્યારેય ત્યાં નાનપ મહેસૂસ કરી નથી. •
http://sambhaavnews.com/

You might also like