પ્રિયંકા ચોપરા પાસે બોલિવૂડની ફિલ્મો માટે સમય નથી

બોલિવૂડ અને હોલિવૂડમાં પ્રિયંકા ચોપરા ધૂમ મચાવી રહી છે. ‘બેવોચ’ બાદ તેને હોલિવૂડમાં બે નવી ફિલ્મો મળી ચૂકી છે. ‘અ ‌િકડ લાઇક જેક’ અને ‘એજન્ટ એટ રોમેન્ટિક’માં તે એક યોગ એમ્બેસેડર ઇઝા બેલનું પાત્ર ભજવી રહી છે. પ્રિયંકા છેલ્લાં બે વર્ષથી હોલિવૂડ અને બોલિવૂડની વચ્ચે ચક્કર લગાવે છે. જ્યારે તે મુંબઇ આવે છે ત્યારે બોલિવૂડ ફિલ્મ સાથે જોડાવાની અટકળો જોર પકડે છે. લાંબા સમયથી તે સંજય લીલા ભણસાલીની ખૂબ જ રાહ જોવાતી ફિલ્મ ‘ગુસ્તાખિયાં’માં અમૃતા પ્રીતમનો રોલ નિભાવે તેવી અટકળો લાગી રહી હતી, પરંતુ તાજેતરમાં તેણે સ્પષ્ટ કર્યું કે તે આ ફિલ્મ કરી રહી નથી. હાલમાં તેની પાસે બોલિવૂડની ફિલ્મો માટે સમય નથી.

પ્રિયંકા હોલિવૂડમાં અત્યંત વ્યસ્ત છે. તે બે ફિલ્મો સાઇન કરવા ઉપરાંત નાના પરદાના શો ‘ક્વાન્ટિકો’માં પણ વ્યસ્ત છે એટલું જ નહીં, તે યુએન સાથે પણ જોડાઇ છે. તેથી તેને યુએન દ્વારા આયોજિત વિશેષ સમાજ સેવાના કાર્યક્રમો માટે અલગ અલગ દેશમાં જવું પડે છે. તેનું ફિલ્મી બેનર ભારતમાં પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોનું નિર્માણ કરી રહ્યું છે. આ કામ તેની માતા જુએ છે, જોકે તેણે રિજિયોનલ ફિલ્મોને પ્રમોટ કરવાનો સમય પણ કાઢવો પડે છે. તાજેતરમાં તેણે કહ્યું કે તે બોલિવૂડ છોડી રહી નથી. આવતા વર્ષે તે બે બોલિવૂડ ફિલ્મમાં જોવા મળશે, પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે કોઇ મોટી બોલિવૂડ ફિલ્મ માટે એકસાથે ઘણી બધી તારીખ આપવાનું તેના માટે શક્ય નથી. પોતાના પ્રોડક્શન હાઉસને પ્રિયંકાએ હોલિવૂડ સુધી લઇ જવાનું નક્કી કર્યું છે. તે ભારતીય અને અન્ય મૂળના કલાકારોને પ્રોત્સાહિત કરવા ઇચ્છે છે.•

You might also like