ખાનગી શાળાઓએ ફી ‍વધારવા હવે કમિટી સમક્ષ જવું પડશે

ગાંધીનગર: વિધાનસભાગૃહમાં આજે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા ગુજરાત સ્વનિર્ભર શાળા (ફી નિયમન) વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. આ વિધેયકના કારણે બેફામ ફી ઉઘરાવી ઉઘાડી લૂંટ ચલાવતા શાળા સંચાલકો પર લગામ મુકાશે. વિધેયક મુજબ વર્ષ ર૦૧૭થી ભૌગો‌િલક સ્તરે રાજ્યના ચાર ઝોનમાં એક એમ કુલ ચાર સમિતિઓની રચના કરાશે. નિવૃત્ત જિલ્લા સેશન્સ જજ કે નિવૃત્ત અધિકારીના અધ્યક્ષપદે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સિવિલ ઇજનેર, શિક્ષણશાસ્ત્રી, શાળા પ્રતિનિધિ એમ બિનરાજકીય વ્યક્તિઓને સમિતિમાં સમાવાશે. આ સમિતિ ખાનગી શાળાનું લોકેશન, મૂડીરોકાણ, સગવડ, ખર્ચ, મદદ, ડોનેશન, વર્ગની સંખ્યા, વિદ્યાર્થીની સંખ્યા, સ્ટાફનો પગાર અને નફા જેવી વિગતોના આધારે જે તે શાળાનું ફી સ્ટ્રક્ચર નક્કી કરશે, જે શાળા સંચાલક તેનું પાલન નહીં કરે તેમની સામે વાલીઓ સમિતિ સમક્ષ ફ‌િરયાદ કરી શકશે. આ અન્વયે સમિતિએ નક્કી કરેલી ફીથી વધુ વસૂલી કરનાર સંચાલકો સામે રૂ.૧૦ લાખ દંડની જોગવાઇ અને ત્રીજા ગુનામાં શાળાની માન્યતા રદ કરાશે. સમિતિના આદેશ પછી ૧પ દિવસમાં દંડની રકમ શાળા વાલીને ન આપે તો એક ટકા લેખે દરરોજ વ્યાજ આપવું પડશે.

શાળાઓ ફી, ટર્મ ફી એક મહિનાની ટ્યૂશન ફી કરતાં વધુ રકમની વસૂલાત કરે તો પ્રતિબંધની દરખાસ્ત બિલમાં કરાઇ છે. લાઇબ્રેરી, લેબોરેટરી માટે ફી, ડિપોઝિટ હેડ ચાલુ રાખતાં ‌િજમખાના પરીક્ષા, યોગ, પીટી સિવાય ફી નિયમન સમિતિ નક્કી કરશે. તે સિવાયની ફી કોઇ હેડથી વસૂલી થઇ શકશે નહીં.

નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી ૩ થી ૬ વર્ષનાં બાળકો માટે હાલમાં ખાનગી શાળાઓ પર શિક્ષણ વિભાગનું કોઇ નિયંત્રણ નથી. આવી કોઇ પણ નર્સરી જે શાળા સાથે જોડાયેલી હશે તે પણ આ કાયદા હેઠળ આવી જશે. ફી નિયમન અંગેનો સરકાર નવો કાયદો નહીં બનાવે ત્યાં સુધી કોઇ પણ શાળા ફી વધારો કરી શકશે નહીં.
http://sambhaavnews.com/

You might also like