ખાનગી લકઝરી બસ પલટી ખાઈ ગઈઃ છને ગંભીર ઈજા, અન્ય મુસાફરોનો બચાવ

અમદાવાદ: નરોડા નજીક ચિલોડા રોડ પર વલાદ અને ફિરોઝપુર વચ્ચે ગઈ મધરાતે એક લકઝરી બસ પલટી ખાઈ જતાં મુસાફરોએ ભયના કારણે ચીસાચીસ કરી મૂકતાં વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. અા ઘટનામાં છ મુસાફરને ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. જ્યારે સદનસીબે અન્ય મુસાફરોનો અદ્ભુત બચાવ થયો હતો.

અા અંગેની વિગત એવી છે કે મુંબઈથી રાજસ્થાન તરફ જઈ રહેલ ખાનગી લકઝરી બસ પેસેન્જર ભરી અમદાવાદથી રાજસ્થાન જવા નીકળી હતી ત્યારે ગઈ રાતે ત્રણ વાગે ચિલોડા રોડ પર વલાદ અને ફિરોઝપુર વચ્ચે બસના ચાલકને ઝોકું અાવી જતાં તેને સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ પલટી ખાઈ ગઈ હતી. બસ પલટી ખાતાં જ મુસાફરોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. અા ઘટનામાં મણિલાલ જયરૂપ, રામજી કલગી, લાલારામ પુલારામ, કમલાબહેન ચૌધરી, દિલીપ પ્રજાપતિ અને પ્રમોદજી લક્ષમણજી નામના છ મુસાફરોને ઈજાઓ પહોંચતાં તમામને સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે જેમાંથી બેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે. બસ નીચે દબાયેલા મુસાફરોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં અાવ્યા હતા.

અા ઉપરાંત હળવદ-ધ્રાંગધ્રા રોડ પર મોડી સાંજે ખાનગી લકઝરી બસ અને ટેન્કર વચ્ચે જોરદાર ધડાકા સાથે અકસ્માત સર્જાતાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. અા અકસ્માતમાં સાત વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. જ્યારે રાજકોટ-મોરબી હાઈવે પર હડાળા ગામ પાસે ટ્રક પાછળ સ્વિફ્ટ કાર ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં ભાવનગરના રબારી કમલેશ દેસાઈનું મોત થયું હતું જ્યારે બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે અા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like