ખાનગી બસ પલટી ખાઈ જતાં ૨૨ મુસાફર ઘવાયાઃ ચાર ગંભીર

અમદાવાદ: ધોળકા-ખેડા હાઈવે પર ગઈકાલે સાંજે એક ખાનગી લકઝરી બસ પલટી ખાઈ જતાં ૨૨ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. જેમાંથી ચારની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે.

અા અંગેની વિગત એવી છે કે મહીસાગર ટ્રાવેલ કંપનીની બસ જુનાગઢથી મુસાફરો ભરી વડોદરા જવા રવાના થઈ હતી. અા બસ ગઈકાલે મોડી સાંજે ધોળકા-ખેડા હાઈવે પર રઢુ ગામની સીમમાંથી પસાર થઈ રહી હતી ત્યારે બસના ચાલકે અચાનક જ સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ ડિવાઈડર તોડી રોંગસાઈડમાં ધસી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. બસ પલટી ખાતાં જ મુસાફરોએ ચીસાચીસ કરી મૂકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. અા ઘટનામાં બસમાં બેઠેલ મુસાફરો પૈકી ૨૨ મુસાફરોને ઓછા-વત્તા પ્રમાણમાં ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત પૈકી ચારની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક પહોંચી જઈ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like