ઝાલોદ સબજેલમાંથી ભાગેલા કેદીઓ પૈકી વધુ બે ઝડપાયા

દાહોદ : ઝાલોદ સબજેલ પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પર હુમલો કરી ફરાર થઈ ગયેલા ધાડ-લૂંટ-હત્યા તથા બળાત્કાર જેવા સંગીન ગુનાના ૧૧ આરોપીઓ પૈકી વધુ બે આરોપીઓ રાજસ્થાન બોર્ડર પર આવેલ ઘેસવાગામે અનાસ નદીના કિનારે ગીચ ઝાડીમાંથી દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડતા ૧૧ ફરાર આરોપીઓમાંથી કુલ છ આરોપીઓ ઝડપાયા છે. જયારે ગુજરાતનો એક અને મધ્યપ્રદેશના ચાર મળી કુલ ૫ આરોપીઓને ઝબ્બે કરવા જિલ્લાની પોલીસ જુદી જુદી ટીમો બનાવી જુદા જુદા વિસ્તારોમાં કોમ્બીંગ કરી રાત દિવસ એક કરી રહી છે.
દિવાળીના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં જિલ્લા પોલીસે હાશકારો લીધો હતો. ત્યાં તો તા. ૧૩મી નવેમ્બરે ઝાલોદ સબજેલમાંથી પોલીસ પર હુમલો કરી ધાડ, લૂંટ, મર્ડર, બળાત્કર જેવા સંગીન ગુનાઓના ખુંખાર અગિયાર આરોપીઓ જેલમાંથી નાસી છૂટતા જિલ્લા પોલીસ તંત્રમાં હાહાકાર મચી ગયો હતો. જિલ્લાનું પોલીસ તંત્ર પોતાના કપાળે લાગેલ કાળી ટીલીને મીટાવવા માટે ફરાર આરોપીઓે ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવી દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાનના વિસ્તારોમાં સતત જોતરાયેલી રહી હતી અને તેને તેના પ્રયાસમાં ધીરે ધીરે સફળતા મળતા ગતરાતે ૧૧ ફરાર આરોપીઓ પૈકી વધુ બે હત્યાના આરોપી ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામના મુમસીંગ રમણભાઈ પાંડોર તથા અમૃત હમતા પાંડોર રાજસ્થાન બોર્ડર પર આવેલ ઘેસવા ગામે અનાસ નદીના કિનારે ગીચ ઝાડીમાં સંતાઈ રહયાની મળેલ ગુપ્ત બાતમી આધારે ડીવાયએસપી દાહોદ હર્ષદ મહેતાની આગેવાની હેઠળ દાહોદ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એચ. પી. પરમાર તથા લીમડી પોસઈ બી. એમ. રાઠવા તથા ટીમોના માણસો સાથે વેશપલટો કરી છૂપી રીતે કોમ્બીંગ આપરેશન હાથ ધરી ઉપરોકતબંને ફરાર આરોપીઓને ઘેસવા ગામે અનાસ નદીના કિનારે ગીચ ઝાડીઓમાંથી સંતાયેલ હાલતમાં ઝડપી પાડયા હતા.
ઉકત બે જેલ ફરારી આરોપીઓ રાજસ્થાન બોર્ડરના ગામોમાં આવેલ તેઓના સગાસંબંધીઓને ત્યાં આશ્રયસ્થાને રોકાતા હતા અને પકડાઈ જવાના ડરથી બંને આરોપીઓ તેઓના ઘરે રહેતા ન હતા અને દિવસ તથા રાત્રીના સમયે ગીચ જંગલોમાં તેમજ ડુંગર વિસ્તારમાં સંતાઈને રહેતા હતા. બાકીના પાંચ જેલ ફરારી આરોપીઓને નજીકના સમયમાં ઝડપી પાડવા દાહોદ પોલીસે અસરકારક વ્યૂહાત્મક રીતે ટીમોની કામગીરી ચાલુ રાખેલ છે.

You might also like