કેદીઅોને લઈ જતી પોલીસ વાન BRTS ટ્રેકમાં પલટી ખાઈ ગઈ!

અમદાવાદ: અમદાવાદની સેન્ટ્રલ જેલથી કાચા કામના પાંચ કેદીઓને સુરતની કોર્ટમાં લઇ જતી પોલીસ વાનને ઘોડાસર બીઆરટીએસ ટ્રેકમાં અકસ્માત નડ્યો હતો. પુરઝડપે પસાર થઇ રહેલી પોલીસ વાનના ડ્રાઇવરે બાઇકચાલકને જોઇને પોતાનાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને વાન પલટી ખાઈ બાઈક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બાઈકચાલકને ગંભીર ઇજા થઈ હતી. જોકે વાનમાં રહેલા પાંચ પોલીસ કર્મચારી અને પાંચ કેદીઅો પૈકી કોઈને પણ ઇજા થઈ ન હતી.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના 5 કેદીઓને સુરતની કોર્ટમાં રજૂ કરવા માટે શાહપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ તેમજ અન્ય પોલીસકર્મીઓ કેદીનો જાપતો લઇને વહેલી સવારે સુરત જવા રવાના થયા હતા. ઘોડાસર વિસ્તારમાં આવેલ જીવણપાર્ક સોસાયટી પાસેના બીઆરટીએસ ટ્રેકમાં પોલીસ વાન પુરઝડપે પસાર થઇ રહી હતી. દરમિયાનમાં બાઇક પર પસાર થઇ રહેલા 55 વર્ષના શૈલેશભાઇ બાબુલાલ ભાલે બીઆરટીએસમાં આપેલ ડાઈવર્ઝનવાળી જગ્યાએથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. રોડ ક્રોસ કરી રહેલા શૈલેશભાઇને જોઇને પોલીસ વાનના ડ્રાઇવરે એકાએક બ્રેક મારતાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પોલીસ વાનનું ટાયર ડિવાઇડર પર ચઢી જતાં વાને પલટી ખાધી હતી અને બાઇક સાથે અથડાઈ હતી.

આ ઘટનામાં શૈલેશભાઇને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર માટે 108 એમ્યુલન્સ મારફતે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પાંચ કેદીઓને સહી સલામત પરત સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ, ઇસનપુર પોલીસ સ્ટેશન તેમજ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો ત્યારે આસપાસના રહીશો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પલટી ખાધેલી વાનને સીધી કરવા માટે પોલીસને ક્રેઇનની મદદ લેવી પડી હતી.

આ મામલે શાહપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ પી.કે.અસોડાએ જણાવ્યું છેકે સવારે સાડા આઠ વાગ્યાની આસાપાસ હેડ કવાર્ટર્સના 5 કોન્સ્ટેબલ સાથે સાબરમતી સેન્ટ્રલ જેલમાં હત્યા તેમજ રાયોટિંગના કેસમાં બંધ 5 કાચા કામના કેદીઓને સુરતની જેલમાં લઇ જવાતા હતા તે સમયે ઘોડાસર બીઆરરટીએસ ટ્રેકમાં બાઇકચાલક વચ્ચે આવ્યો હતો. વાનના ડ્રાઇવરે બ્રેક મારતાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ ઘટનામાં પોલીસ કર્મીઓ  તેમજ કેદીઓનો આબાદ બચાવ થયો છે. શહેર પોલીસ કમિશનર એ.કે.સિંધે જણાવ્યું છે કે બીઆરટીએસ ટ્રેક પર પોલીસ વાહન ચલાવી શકે તેવી મંજૂરી છે.

ઉલ્લેખનીય છે કે રર ફેબ્રુઆરીના રોજ ચંડોળા તળાવ નજીક આવેલ બીઆરટીએસ વર્કશોપ પાસે બીઆરટીએસ ટ્રેક પર બાઇક અને બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક ચલાવતા અમર રમેશભાઇ ખમારે હેલ્મેટ પહેરી હોવા છતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે ખમાસા ચાર રસ્તા પાસે બીઆરટીએસ ટ્રેકમાં સ્વિફટકાર અને એકસએકસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એકસએકસ ચાલક અને અન્ય એક સગીરને ઇજા થઇ હતી. કારનું ટાયર ફાટવાથી કાર ચાલકે પોતાની કાર પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો.
http://sambhaavnews.com/

You might also like