મહેસાણા નજીક આવેલ મેવડ ગામમાં જુગારના અડ્ડા પર છાપોઃ અમદાવાદના સાત સહિત ૧પ જુગારિયા ઝડપાયા

અમદાવાદ: મહેસાણા નજીક આવેલા મેવડ ગામની સીમમાં ચાલતાં જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતા પોલીસની પક્કડમાંથી છૂટવા જુગારિયાઓએ ભારે ધમપછાડા કર્યા હતા. પોલસે કોર્ડન કરી અમદાવાદના સાત સહિત ૧પ જુગારિયાઓને આબાદ ઝડપી લઇ જુગારના સાધનો, રોકડ રકમ અને ૧પ મોબાઇલ કબજે કરી ગુનો દાખલ કરેલ છે.

આ અંગેની વિગત એવી છે કે મેવડ ગામની સીમમાં આવેલા અરવિંદ ચૌધરીના ખેતરમાં દિનેશ પટેલ નામનો શખસ મોટાપાયે જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે છાપો મારી પ્રતીક દવે (ઘાટલોડિયા), ગફુર દેસાઇ (બોપલ), ઇબ્રાહીમ મોમીન (સાણંદ), પ્રદીપ પેથીવાલા (જીવરાજપાર્ક), હસમુખ કલાલ, જયંતી દેવડા અને ધર્મેન્દ્ર રાલોપી ત્રણેય (રહે. મેમનગર) તેમજ અલારખા કુરેશી, દિનેશ પટેલ, ભરત ચૌહાણ સહિત કુલ ૧પ જુગારિયાને આબાદ ઝડપી લઇ મોબાઇલ ફોન, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કર્યાં હતાં.

પોલીસે દરોડો પાડતાં જ જુગારિયાઓએ ભાગી છૂટવા માટે દોડધામ કરી મૂકી હતી. પરંતુ પોલીસે તમામને આબાદ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like